મોરબીના નાની વાવડી ગામે રહેતા ૮૬ વર્ષીય વૃદ્ધ એકટીવા મોપેડ લઈને ઘરેથી દુકાને જતા હોય ત્યારે વાવડી ગામ ભુમી ટાવર સામે પુરપાટ ઝડપે આવતી સ્વીફ્ટ કારે એકટીવાને હડફેટે લઈને અકસ્માત સર્જ્યો હતો, જેમાં એકટીવા ચાલક વૃદ્ધને માથામાં ગંભીર ઇજા પહોંચતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતકના પુત્ર દ્વારા સ્વીફ્ટ કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ નાની વાવડી ગામ ભક્તિનગર સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઈ કરશનભાઇ પ્રાગજીભાઈ સોલંકી ઉવ.૪૫ એ તાલુકા પોલીસ મથકમાં સ્વીફ્ટ કાર રજી. નં. જીજે-૦૩-ઈએલ-૨૭૯૬ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં ગાઇન્ટ.૨૩/૧૨ના રોજ ફરીયાદીના બાપુજી કરશનભાઈ પ્રાગજીભાઈ સોલંકી ઉવ.૮૬ વાળા એકટીવા રજી. નં. જીજે-૩૬-જે-૬૫૧૦ વાળુ લઈને ઘરેથી દુકાને જતા હતા ત્યારે તેમની દુકાનની નજીક રોડ ક્રોસ કરતા હતા ત્યારે સ્વીફટ કારના ચાલકે તેની સ્વીફટ કાર પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી કરશનભાઇને એકટીવા સાથે હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતમાં કરશનભાઇને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા પહોચાડતા ચાલુ સારવાર દરમ્યાન કરશનભાઇનું મોત નીપજ્યું હતું, જે મુજબની ફરિયાદના આધારે તાલુજ પોલીસે આરોપી સ્વીફ્ટ કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.