મોરબીથી ખાનપર જતા રસ્તામાં ખાનપર ગામ પાસે છોટા હાથી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જયારે છોટા હાથી ચાલકે અકસ્માત સર્જી પોતાનું વાહન પલ્ટી ખાઈ જતા સ્થળ પરથી ફરાર થયો હતો. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વસંતભાઇ મોરબીથી ખાનપર જતા રસ્તામાં ખાનપર ગામ પાસેથી પોતાની મોટરસાઇકલ લઇ જતા હતા. ત્યારે GJ-36-V-0547 નંબરના છોટા હાથીના ચાલકે ખાનપર તરફથી પોતાનું વાહન પુરપાટ ઝડપે ચલાવી આવી સામેથી આવતી વસંતભાઇની મોટરસાઇકલ સાથે અથડાવી દેતા વસંતભાઇને નીચે પડી જતા તેમને મોઢાના ભાગે ફેકચર ઇજા તથા શરીરે મુંઢ ઇજા પહોંચી હતી. જયારે આરોપીનુ છોટા હાથી પલ્ટી ખાઇ જતા તે વાહન સ્થળ પર જ મુકીને નાસી છૂટ્યો હતો. જે સમગ્ર મામલે વસંતભાઇના સંબંધી રજનીકાંતભાઇ વશરામભાઇ જીવાણીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.