મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ-જ્ઞાન જ્યોતિ પર્વની સ્મૃતિમાં ટંકારા ખાતે ત્રણ દિવસીય ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આર્ય સમાજ ટંકારાના તમામ કાર્યકર્તાઓ તથા ટંકારાવાસીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. જે બાદ તેમનું ઉપદેશક મહા વિદ્યાલય ટંકારા ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. જેની માટે કાર્યકર્તા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગત તારીખ 10 /11/ 12 ફેબ્રુઆરી 2024 ના રોજ ટંકારા મુકામે મહર્ષિ દયાનંદ સરસ્વતીના 200માં જન્મદિવસ નિમિત્તે ભવ્યાતી ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ ઉપરાંત અનેક રાજકીય આગેવાનો અનેક સંન્યાસીઓ અનેક ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ એક ઐતિહાસિક કાર્યક્રમ હોય હજારો માણસોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પ્રસાદ ગ્રહણ કરેલ અને મહર્ષિ દયાનંદના જીવન અને તેમના કાર્યને જાણીને ખૂબ પ્રભાવિત થયા હતા. આ કાર્યક્રમ ટંકારાના ઇતિહાસનો શ્રેષ્ઠ કાર્યક્રમ કહી શકાય તેવો કાર્યક્રમ રહ્યો હતો. પરંતુ આટલો શ્રેષ્ઠ કાર્યક્રમ સફળ બનાવવા માટે અનેક માનવ શક્તિને કામે લાગવું પડે તો આ કાર્યક્રમને સફળ બનાવવા ટંકારાના અનેક યુવાનો તથા મહિલાઓએ સતત ત્રણ મહિના સુધી મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ઉપરાંત આર્ય સમાજ ટંકારા ઉપર સર્વે લોકોએ મુકેલા વિશ્વાસ અને મહર્ષિને આપણા ગણી અને તેમના જન્મદિવસને ગરીમા પૂર્ણ રીતે ઉજવવામાં ટંકારા વાસીઓ તથા આસપાસના ગામના અનેક લોકોએ પૂરા સાથ અને સહકારથી આ કાર્યક્રમ ઉજવ્યો હતો જેમાં ઘણા બધા લોકોએ પોતાની જમીન, ઘણા બધા લોકોએ પોતાના કારખાના ફેક્ટરી, ઘણા બધા લોકોના આર્થિક સહયોગ, ઘણા બધા લોકોના વાહનો પણ ઉપયોગી થયા હતા.
દાતાઓ અને સમાજસેવકો દ્વારા ખૂબ સારી રીતે આ કાર્યક્રમને ઉજવવામાં આવ્યો હતો. જેને લઇ ઉપદેશક મહા વિદ્યાલય ટંકારા ખાતે ગત તા.11 જૂન 2024 ના રોજ કાર્યકર્તા સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં આર્ય સમાજ ટંકારાના તમામ કાર્યકર્તાઓનો તથા ટંકારાવાસીઓના આ કાર્યને નિર્દાવવા માટે સન્માન કરવા માટે ખાસ દિલ્હીથી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ટંકારાના મંત્રી અજય સહગલજી, ઉપરાંત દિલ્હી આર્ય પ્રતિનિધિ સભાના મંત્રી અને આ કાર્યક્રમના સંપૂર્ણ સંયોજક એવા વિનય આર્યજી સાથે સતીશ ચડાજી અને અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે ટંકારાનું ગૌરવ એવા પદ્મશ્રી ડોક્ટર દયાલમૂની આર્યનું પણ આ તકે સન્માન કરવામાં આવ્યું હતું.