માળીયા(મી) તાલુકાના હરિપર ગામની ગોળાઈમાં ઇકો કાર આગળ જતાં અજાણ્યા વાહનના પાછળના ભાગે અથડાતા, ઇકો કારના ચાલકનું સારવારમાં અમદાવાદ ખાતે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ઇકો કારમાં સાથે બેઠેલ મિત્રને પગમાં ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી. હાલ મૃતકના ભાઈની ફરિયાદને આધારે માળીયા(મી) પોલીસે મૃતક ઇકો કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, કચ્છ જીલ્લાના ભચાઉ તાલુજના વાંધીયા ગામે રહેતા જયદેવભાઈ રાજેશભાઇ ઉપાધ્યાય ઉવ.૩૫ અને તેમના મિત્ર ગુલામભાઈ જુમાભાઈ સમેજા બંને મિત્રો ગઈ તા.૦૩/૧૨ ના રોજ ઇકો કાર રજી.નં. જીજે-૧૨-એફડી-૦૨૧૧ લઈને માળીયા(મી) ગેસ પૂરાવવા જતા હતા તે દરમિયાન ઇકો કાર પુર ઝડપે અને બેફિકરાઈથી ચલાવતા જયદેવભાઈએ હરિપર ગામ નજીક ગોળાઈ પાસે આગળ જતાં કોઈક વાહનના પાછળના ભાગે અથડાવી દેતા બન્ને મિત્રોને ઇજાઓ પહોંચી હતી, જેથી તેઓને સારવાર અર્થે પ્રથમ મોરબી બાદ રાજકોટ અને ત્યાંથી અમદાવાદ લઈ જતા જ્યાં સારવાર દરમિયાન જયદેવભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ સમગ્ર અકસ્માતના બનાવ અંગે મૃતક જયદેવભાઈના ભાઈ સાગરભાઈ રાજેશભાઇ ઉપાધ્યાયની ફરિયાદને આધારે માળીયા(મી) પોલીસે મૃતક જયદેવભાઈ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









