વાંકાનેરના કલાવડી ગામના પાટીયા નજીક માર્ગ અકસ્માતના બનાવમાં ઇકો કારે એકટીવાને હડફેટે લેતા, મોપેડ સવાર ત્રણ વ્યક્તિ પૈકી ચાલક યુવકનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલ બે યુવકોને ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી. ત્યારે ઈજાગ્રસ્ત યુવકે અકસ્માત સર્જનાર ઇકો ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે રહેતા વિશાલભાઇ ધારાભાઇ બાંભવા ઉવ-૨૧ એ ઇકો કાર રજી.નં. જીજે-૦૩-જેસી-૭૧૮૬ ના ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૦૧/૦૩ના રોજ રાત્રીના સમયે વિશાલભાઈ અને તેમના કુટુંબી ભાઈ સાથે એકટીવા રજી.નં. જીજે-૩૬-એડી-૬૦૬૯ માં ત્રિપલ સવારી જઈ રહ્યા હોય ત્યારે વાંકાનેર તાલુકાના કલાવડી ગામના પાટીયા આગળ ગેસ પ્લાન્ટની સામે કુવાડવા રોડ ઉપર સામેથી આવતી ઇકો કારના ચાલકે પોતાની કાર બેફિકરાઈથી ચલાવી એકટીવા મોપેડને હડફેટે લેતા એકટીવા ચાલક ગોપાલ ઉર્ફે વિશાલ પરબતભાઇ બાંભવા ઉવ.૧૯ વાળાને શરીરે ગંભીર ઇજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે એકટીવા પાછળ બેઠેલ ફરિયાદી વિશાલભાઈ ધારાભાઈને જમણા પગમા ફ્રેકચર તથા સંદિપભાઇને જમણા હાથની કોણીના ભાગે તેમજ માથા તથા પગમા ઇજાઓ પહોંચી હતી. હાલ પોલીસે ઇકો કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.