શનાળા-ઘુનડા રોડ પર સોસાયટીના ગેટ પાસેથી નીકળતા રસ્તા ઉપર નહિ ચાલવાનું કહી આરોપીઓનો પથ્થરમારો.
મોરબીના શનાળા-ઘુનડા રોડ પર આર્યગ્રામ સોસાયટીના ગેટ પાસેથી જતા રસ્તા પર ચાલવાની ના પાડીને પ્રૌઢ વેપારી પર હુમલો કરાયો હતો. ઘટનામાં પથ્થરમારો કરી વેપારીને ઈજા પહોંચાડી હતી. હાલ ભોગ બનનારની ફરિયાદને આધારે સીટી એ ડિવિઝન પોલીસે બે મહિલા સહિત પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
મળતી વિગતો મુજબ, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદમાં, રાજનગર સોસાયટી પંચાસર રોડ ખાતે રહેતા અને અયોધ્યાપુરી મેઇન રોડ પર “બજરંગ ટુલ્સ” નામની દુકાન ચલાવતા મુકેશભાઈ ગોવિંદભાઈ પારેજીયા ઉવ.૫૩ ગઈકાલ તા.૧૫/૦૩/૨૦૨૬ ના રોજ શનાળા-ઘુનડા રોડ ઉપર ગ્રીન સિટી સોસાયટી સામે આવેલ સનાતન ગ્રામ સોસાયટીમાં આવેલ અથર્વવેદ એપાર્ટમેન્ટમાં પોતાના ફ્લેટમાં ચાલતા ફર્નિચર કામની તપાસ કરવા ગયા હતા. જ્યાંથી પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેઓ આર્યગ્રામ સોસાયટીના ગેટ પાસે પહોંચ્યા ત્યારે ત્યાં રહેનાર ચીરાગભાઈ ધરમસીભાઈ વડસોલા, જયશુખભાઈ કાનજીભાઈ પનારા, કોમલબેન જયશુખભાઈ પનારા, અલ્પાબેન ચીરાગભાઈ વડસોલા તથા રાકેશભાઈ કાંતિભાઈ મેરજા સાથે બોલાચાલી થઈ હતી. આરોપીઓએ આ રસ્તો પોતાની સોસાયટીનો હોવાનું કહી ફરિયાદીને ત્યાંથી પસાર થવા મનાઈ કરી અને આરોપીઓએ ગાળો આપી ધમકીઓ આપી હતી અને ચીરાગભાઈ વડસોલાએ ઉશ્કેરાઈ જઈ પથ્થરો ફેંકતા ફરિયાદીના ડાબા હાથમાં ઈજા પહોંચી હતી. જે બાદ તેમને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ અને જીપી એક્ટ મુજબ બે મહિલા સહિત પાંચ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









