દેશની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતના સરહદી વિસ્તારોમાં શાંતિ અને સુરક્ષાની સ્થિતિ જાળવવા માટે રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં ઉઠાવ્યાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ઈમરજન્સી સમીક્ષા બેઠક યોજાઈ.
આ બેઠકમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સરહદી જિલ્લાઓના કલેક્ટરો અને જિલ્લા પોલીસ વડાઓ સાથે સીધી ટેલિફોનીક વાતચીત કરીને સ્થાનિક સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી. તેમણે આ સંવેદનશીલ સમયમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને, લોકોમાં ગભરાટ ન ફેલાય અને પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થા રાખી શકાય તે માટે જરૂરી તકેદારીના પગલાં લેવા સ્પષ્ટ સૂચનાઓ આપી.
બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી, અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, રાહત કમિશનર આલોક પાંડે તથા રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય સહિતના ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી. તમામ અધિકારીઓએ મંત્રીએ આપેલી સૂચનાઓ મુજબ તાત્કાલિક કામગીરી શરૂ કરવાનો નિર્ણય વ્યક્ત કર્યો.
રાજ્ય સરકાર દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવાની અને સરકાર દ્વારા આપવામાં આવતી માહિતી પર જ આધાર રાખવાની અપીલ કરવામાં આવી છે. સરકારી તંત્ર સતત સતર્ક છે અને હિતાધિકારી સંસ્થાઓ સાથે સંકલન રાખી કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર છે.