હળવદ માર્કેટિંગ યાર્ડમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં કિશાન ટ્રેડીંગ પેઢીનાં એક કર્મચારીએ જુદી જુદી પેઢીઓ પાસેથી ખરીદેલ તલનાં રૂપિયા તથા પેઢીના કમીશનના રૂપીયા મળી કુલ રૂપીયા ૬૯.૬૪ લાખથી વધુ રકમની ઉચાપત કરી ફરાર થઇ જતા સમગ્ર મામલે પેઢીના માલિકે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરનાં રતનપર ગામે રહેતા નારસંગભાઈ ઉર્ફે નવલસિંહ બનેસંગભાઈ ડોડીયા હળવદ માર્કેટિંગ યાર્ડમાં કિશાન ટ્રેડીંગ નામની પેઢી ધરાવતા હોય જેમને ત્યાં ઉમેશભાઈ નરશીભાઈ પારેજીયા (રહે.કણબીપરા,રામજી મંદિર પાસે મોરબી દરવાજા હળવદ તા.હળવદ જી.મોરબી) નામનો વ્યક્તિ કામ કરતો હોય જે કિશાન ટ્રેડીંગ પેઢીના નામે જુદી જુદી પેઢીઓ પાસેથી તલની કુલ રૂપીયા ૩૭,૩૪,૧૧૪/- ની ખરીદી કરી તે પૈકી રૂપીયા ૧૨,૦૧,૬૪૫/- જય કિશાન ટ્રેડીંગ પેઢી તરફથી વેપારી પેઢીઓને ચુકવવામા આવેલ છે. તેમજ રૂપીયા ૨૫,૩૨,૪૬૯/- જય કિશાન ટ્રેડીંગ પેઢી તરફથી અન્ય વેપારી પેઢીઓને ચુકવવાના બાકી હોય તેમજ જય કિશાન ટ્રેડીંગ પેઢી મારફતે ખેડુતો પાસેથી વેપારીઓએ તલની ખરીદી કરેલ તે પેઢીઓ પાસેથી જય કિશાન ટ્રેડીંગ લેવાના રૂપીયા તથા જય કિશાન ટ્રેડીંગ પેઢીના કમીશનના રૂપીયા મળી કુલ રૂપીયા ૩૨,૩૦,૭૫૪/-લેવાના હતા. તે ઉમેશભાઈ નરશીભાઈ પારેજીયાએ લઈ ખરીદી તથા વેચાણ કમીશન પેટેના કુલ રૂપીયા ૬૯,૬૪,૮૬૮/- ની નારસંગભાઈ ઉર્ફે નવલસિંહ બનેસંગભાઈ ડોડીયાની જાણ બહાર પોતાની સાથે લઇ જઇ નાસી જતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.