હળવદ ખાતે ઢવાણીયા દાદાના મંદીરની બાજુમા શિવ કોમ્પલેક્ષમાં ડીલક્ષ ઓટો રીપાવરીંગ નામની દુકાન પાસે બાઇકનુ એન્જીન લેથકામ કરવા મૂકી ગયેલ ઈસમે નજીવી બાબતે ઉશ્કેરાઈ જઈ તેના સાથીઓ સાથે મળી એન્જીનીયરીંગ વર્કરને ઢોર માર માર્યો હતો. અને એન્જીનીયરીંગ વર્કરને મારી નાખવાની ધમકીઓ આપતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, હળવદના ધ્રાંગધ્રા રોડ પાસે આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટી ખાતે રહેતા પ્રિયાંકભાઇ પ્રકાશભાઇ કુંડારીયા નામના એન્જીનીયરીંગ વર્કનું કામ કરતા યુવકની હળવદ ખાતે ઢવાણીયા દાદાના મંદીરની બાજુમા શિવ કોમ્પલેક્ષમાં ડીલક્ષ ઓટો રીપાવરીંગ નામની દુકાન આવેલ છે. જ્યાં ઇમરાનભાઇ ઉર્ફે ઇમુ ઇશુભાઇ (રહે- હળવદ ભવાનીનગર ઢોરા) નામનો આરોપી ગત તા-૧૧/૦૪/૨૦૨૩ના રોજ બાઇકનુ એન્જીન લેથકામ કરવા મુકી ગયેલ હોય અને ગઈકાલે સવારના સાડા આઠેક વાગ્યે ફરિયાદીની દુકાને કામકાજ બાબતે આવતા ફરિયાદીએ પાંચ મીનીટ રાહ જોવાનુ કહેતા આરોપીએ ઉશ્કેરાઇને યુવકને ગાળો આપીને જતા રહેલ અને બાદમાં બપોરના સવા એકાદ વાગ્યે આરોપી બે અજાણ્યા માણસો સાથે પ્લાસ્ટિકનો પાઇપ તથા પાવડો લઇને આવીને ફરિયાદીને માર મારી મુંઢ ઇજા કરેલ તેમજ એક ઈસમે તો “છરી મારી દો છરી મારી દો” તેમ કહી જેમ તેમ ગાળો આપી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.