માળીયા(મી) પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે વવાણીયા ગામ ખાતે આવેલ પશુ-બાંધવાના વાડાની ઓરડીમાં રેઇડ કરી હતી, જ્યાં પશુ માટે રાખવામાં આવેલ ઘાસચારાની પાછળ છુપાવી રાખેલ ઈંગ્લીશ દારૂની ૧૮૦ નંગ બોટલ મળી આવતા વાડા-માલીકની અટક કરવામાં આવી છે, જ્યારે ઈંગ્લીશ દારૂનો જથ્થો મોરબીનો શખ્સ આપી ગયો હોવાની કબૂલાત આપતા, તેને આ કેસમાં ફરાર દર્શાવી, પકડાયેલ આરોપી સહિત બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી માળીયા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, માળીયા(મી) પોલીસ ટીમને બાતમી મળી હતી કે, વવાણીયા ગામે કિશનભાઈ બોરીચા પોતાના હવાલા વાળા વાડાની ઓરડીમાં ઇંગલુશ દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે, જે બાતમીને આધારે માળીયા(મી) પોલીસે ઉપરોક્ત વાડામાં દરોડો પાડ્યો હતો, ત્યારે વાડામાં આવેલ ઓરડીમાં પશુને આપવામાં આવતા ઘાસચારાની પાછળ છુપાવેલ ઈંગ્લીશ દારૂ ઓલ સિઝન ગોલ્ડન કલેક્શનની ૧૮૦ નંગ બોટલ કિ.રૂ.૨.૫૨ લાખ મળી આવી હતી, જેથી તુરંત હાજર વાડા માલીક આરોપી કિશનભાઈ આયદાનભાઈ ખાદા ઉવ.૨૯ રહે.વવાણીયા ગામ ઉપરકોટ વિસ્તાર તા. માળીયા(મી) વાળાની સ્થળ ઉપરથી અટક કરવામાં આવી છે, આ સાથે પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો તથા એક વિવો કંપનીનો મોબાઇલ ૧૦,૦૦૦/-સહિત રૂ.૨.૬૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પકડાયેલ આરોપી કિશનભાઈની પૂછતાછમાં આ વિદેશી દારૂ શક્તિભાઈ બોરીચા રહે. મોરબી વાળો આપી ગયો હોવાનું જણાવતા, તે આરોપીને ફરાર દર્શાવી બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.