આ લેખમાં જીવનના સંઘર્ષ, માનવીય આકાંક્ષાઓ, નિરાશા અને આશા વચ્ચેના સંઘર્ષને સરળ પરંતુ તત્ત્વજ્ઞાનસભર ભાષામાં રજૂ કરવામાં આવ્યો છે. લેખમાં જણાવવામાં આવ્યું છે કે સાચી શાંતિ બહાર નહીં, પરંતુ માનવીના મનની સ્થિતિમાં રહેલી છે.
ડૉ. દેવેન રબારી જણાવે છે કે જીવનમાં અપૂરતા હોવા છતાં સંતોષ અને આશાવાદ જ માનવીને મજબૂત બનાવે છે. લેખ સમાજને સંદેશ આપે છે કે મુશ્કેલીઓ જીવનનો અંત નથી, પરંતુ નવી શક્તિનું સર્જન છે.
“દેવ વાણી” શ્રેણી દ્વારા યુવાનો અને સમાજને વિચારશીલ, સકારાત્મક અને આત્મમંથન તરફ પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે હાલના સમયની માનસિક અશાંતિ વચ્ચે અત્યંત પ્રાસંગિક છે.લેખ અહીં નીચે પ્રસ્તુત છે.
✨ દેવ વાણી – જીવનનો વિચાર..
જયાં સંઘર્ષ શીખવે છે, ધીરજ સંભાળે છે અને આશા જીવનને આગળ ધપાવે છે.
જીવન એ એવો પ્રશ્નપત્ર છે જેમાં પ્રશ્નો અનેક છે, પરંતુ તેના જવાબો ક્યારેય પૂર્ણ મળતા નથી.
ક્યારેક આપણે ઈચ્છાઓના રણમાં તરસતા રહીએ છીએ, અને સામે દેખાતું સુખ મૃગજળ જેવું લાગે છે પણ નજીક જઈએ ત્યારે સમજાય છે કે એ તો માયા છે.દરેક માણસ પોતાના સ્વપ્નોની દોડમાં છે,કોઈ ધન માટે દોડે છે, કોઈ માન માટે, કોઈ પ્રેમ માટે તરસે છે તો કોઈ શાંતિની શોધમાં ભટકે છે. પરંતુ અંતે બધાને સમજાય છે કે શાંતિ બહાર નથી, એ તો પોતાના મનની સ્થિતિમાં જ વસે છે. સમય આપણને કહે છે “ધીરજ રાખ,” અને ધીરજ કહે છે “થોડો વધુ સમય આપ.”આ બંને વચ્ચે ફસાયેલો માણસ, ક્યારેક થાકી જાય છે, પરંતુ તૂટતો નથી.
કારણ કે તેની અંદર હજી પણ એક આશાની કિરણ જીવંત છે જે તેને દરેક નિરાશામાંથી બહાર ખેંચે છે. જીવન ક્યારેય સંપૂર્ણ નથી હોતું;
એ અપૂરતા, આકાંક્ષાઓ અને સંઘર્ષનું એક સુંદર સંગીત છે.જેને બધું મળે છે એ હંમેશા આનંદિત નથી હોતા, અને જેને ઓછું મળે છે એ હંમેશા દુઃખી નથી હોતા.. કારણ કે આનંદ એમાં નથી કે આપણને શું મળ્યું છે,પણ એમાં છે કે આપણે જે મળ્યું છે તેનું મૂલ્ય જાણીએ છીએ. જીવનમાં ખોટું ઘણું મળશે, પરંતુ ખોટું મળવાથી સાચું ગુમાવવું નહીં. નિરાશા આવશે, પણ આશા ગુમાવવી નહીં. કારણ કે દરેક અંધકાર પછી સવાર જરૂર આવે છે.આજે જે દુઃખ લાગે છે, એ જ કાલે તમારી શક્તિ બની જાય છે.શિકાયતો કરવી સહેલી છે,પણ સંતોષ રાખવો એ જ સાચી સમજ છે. કારણ કે “જે મળ્યું છે” એ પણ સૌને મળતું નથી અને એ સમજ જ જીવનને ખાટું નહીં, પરંતુ મીઠું બનાવી દે છે.
જીવન એટલે સંઘર્ષમાં સ્મિત રાખવાની કલા, અને જે તૂટી ન જાય — એ જ સાચો યોદ્ધા!
કારણ કે જે માણસ દુઃખમાં પણ આશા રાખે છે,
તેને દુનિયામાં કોઈ હરાવી શકતું નથી. સાચું સુખ એ નથી કે જીવનમાં કષ્ટ ન આવે,
સાચું સુખ એ છે કે કષ્ટ વચ્ચે પણ મન શાંત રહે.
જીવનની સફર સુંદર છે — જો દ્રષ્ટિ સકારાત્મક હોય તો. જેને આ સમજાઈ જાય, તેને દરેક દિવસ નવો આશાવાદી સૂર્યોદય લાગે છે. ☀️
✍🏻 ડૉ. દેવેન રબારી
સ્થાપક, યંગ ઇન્ડિયા ગ્રુપ









