આજુબાજુ જોયા વગર કારને વળાંક લેતા વૃદ્ધના પગના પંજામાં પાંચ જેટલા ફ્રેકચર આવ્યા.
મોરબી જુના બસ સ્ટેન્ડ નજીક આયોધ્યાપુરી મેઈન રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં ઇનોવા કારના ચાલકે પોતાની કાર પુરપાટ ઝડપે ચલાવી આજુબાજુ જોયા વગર એકદમ ઇનોવા કારને વળાંક લઈ લેતા નાસ્તાની લારીએ ખૂણામાં ઉભેલ ૬૫ વર્ષીય વૃદ્ધના પગના પંજા ઉપર કારનું ટાયર ફેરવી કાર ચાલક અકસ્માત સર્જી સ્થળ ઉપરથી નાસી ગયો હતો, ત્યારે અકસ્માતના બનાવમાં વૃદ્ધને પગના પંજામાં પાંચ જેટલા ફ્રેકચર થયા હતા, હાલ ભોગ બનનાર વૃદ્ધ દ્વારા ઇનોવા કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર, મોરબીના વીસીપરા નિધી પાર્ક બ્લોક નં.૩૭માં રહેતા બસીરમીયા અબ્દુલરહેમાન કાદરી ઉવ.૬૫ ગઈ તા.૨૨/૧૨ના રોજ તેમના પત્નીને જુના બસ સ્ટેન્ડ લેવા ગયા હોય ત્યારે અયોધ્યાપુરી રોડ ઉપર નાસ્તો લેવા ગયા હતા ત્યારે બસીરમીયા પ્રકાશ ઘૂઘરવાળાની દુકાનના ખુણા પાસે ઉભા હતા તે દરમિયાન જુના બસ સ્ટેન્ડ તરફથી સફેદ કલરની ઇનોવા કાર રજી.નં. જીજે-૩૬-એએફ-૫૦૯૮ આવતી કારના ચાલકે પોતાની કાર પુર ગતિએ ચલાવી એક્દમથી કારને વળાંક લેતા જ્યાં સાઈડમાં ખુણામાં ઉભેલ બસીરમીયાના જમણા પગના પંજા ઉપર કારનું ટાયર ફેરવી ઇનોવા ચાલક પોતાનું વાહન લઈને સ્થળ નાસી ગયો હતો,
ઉપરોક્ત અકસ્માતની ઘટનામાં બસીરમીયાને સારવાર અર્થે ૧૦૮ મારફત મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં તેમના પંજામાં પાંચ જેટલા ફ્રેકચર આવ્યા હોવાનું સામે આવ્યું હતું, જે બાદ બસીરમીયાએ વધુ સારવાર મોરબીની ખાનગી હોસ્પિટલમાં લીધી હતી, બનાવ બાદ ઇનોવા કાર ચાલક સાથે સમાધાન માટેની વાતચીત ચાલુ હોય જે સંદર્ભે સમાધાન ન થતા ભોગ બનનાર બસીરમીયા દ્વારા ઇનોવા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવમાં આવી છે, હાલ સીટી એ ડિવિઝન પોલીસે કાર ચાલક આરોપી સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.