પશુપાલનમાં અઢળક ખર્ચ વચ્ચે નહિવત આવકથી સફેદ દૂધનો કાળો કકળાટ શરૂ થયો
ટંકારા : પેટ્રોલ ડીઝલના ભાવમાં થયેલ વધારો હવે પશુપાલકોને નડી રહ્યો છે, છેલ્લા મહિનાઓમાં ખોળ, કપાસીયાના ભાવમાં થયેલા અસહ્ય ભાવ વધારાની સાથે-સાથે વરસાદ ખેંચાતા ગામડે-ગામડે માલધારીઓમાં સફેદ દૂધનો કાળો કકડાટ શરૂ થયો છે. અને માલ ઢોર વેચવા મજબુર બન્યા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં ખેડૂતો અને માલધારીઓ પશુપાલન કરી શહેરીજનોને પોસ્ટિક દૂધ પૂરું પાડવા રાત-દિન મહેનત કરી રહ્યા છે પરંતુ હવે દૂધના ધંધામાં નફો તો ઠીક પડતર કિંમત પણ નીપજતી ન હોવાથી પશુપાલનના વ્યવસાયથી માલધારીઓ મોં ફેરવી રહ્યા છે.વર્ષના ૩૬૫ દિવસ શિયાળો, ઉનાળો અને ચોમાસુ ગમે તેવા સંજોગોમાં રજા રાખ્યા વગર સવારે ૫ વાગ્યે ઉઠી નિરણ પુરો અને માવજત કરતા માલધારી ઢોર ઢાખર વેચવા મજબુર બન્યા હોવાની હાઈકતો પણ સામે આવી રહી છે.
પશુપાલકો હાલમાં દૂધના વ્યવસાયનું સરવૈયું આપતા જણાવે છે કે, ભેંસનુ એક લિટર દુધ જેનો ફેટ ૫ થી લઈને ૮ આવે છે અને હાલે એક ફેટના ૬.૬૫ રૂપિયા મળે છે. સરેરાશ એક ભેસ ૧૦ લિટર દુધ બે ટંકમા આપે છે જે ૬ ફેટ ગણીએ તો ૧લિટરના ૪૦ રૂપિયા મળે છે અને ૧૦ લિટરના ૪૦૦ એજ દુધ બજારમાં પહોચે અને આપણને ૬૦ રૂપિયે વેચવામાં આવે છે.પરંતુ ગામડે દુધ ઉત્પાદન વધુ હોય ધરે ધરે દુઝાણા હોવાથી દુધ ડેરીમાં ફેટના ભાવે વેચાણ કરવુ પડે છે. જ્યા ડેરીનુ ઉપલું માળખું દરકાર પણ લેતું નથી જે પશુપાલકો માટે ખોટનો ધંધો સાબિત થઇ રહ્યો છે.
બીજી તરફ ભેસ કે ગાયનો નિભાવણી ખર્ચ દિવસે – દિવસે વધી રહ્યો છે. બે માણા અને છોકરો છોકરી સહિત નો આખો પરીવાર પશુઓ માટે ખડેપગે રહે છે. એક ગાય કે ભેંસ માટે નિરણ પાણીનો ખર્ચ જોઈએ તો હાલમાં ગાય- ભેંસને ૪.૫ કિગ્રા ખાણ કિમત રૂપિયા ૧૭૧, લીલોચારો ૨૦કિગ્રા કિમત રૂપિયા.૬૦, સુકો ઘાસચારો ૬ કિગ્રા રૂપિયા ૩૦ નો ખર્ચ થાય છે અને પશુ જયારે માંદગીના બિછાને પટકાય તો હજારો રૂપિયાની દવા અલગ અને છાણ ખાતર જોઈ તો એક ભેંસ કે ગાય આખા વર્ષમાં અડધી ટ્રોલી એટલે ૧ હજાર નુ ખાતર માંડ આપે છે. અને આ બધી પ્રક્રિયા પાછળ એક વ્યક્તિની દિવસભરની મહેનતનો દાડીનો ખર્ચ પણ છૂટતો ન હોય પશુપાલકો હવે માલઢોર વેચવા મજબુર બન્યા છે. ત્યારે સરકાર આ અંગે દરકાર લઈ આખો દિવસ પશુપાલન કરતો પરીવાર પરસેવો પાડે એના વળતરના પૌસા મળે એવી સહાયતા કરવા બુહાર લગાવી રહો છે.