મોરબીમાં શેરબજારમા ઓનલાઈન રોકાણ કરાવી સારો નફો કમાવવાની લોભામણી લાલચ આપી છેતરપીંડી, વિશ્વાસધાત કરતા ગુન્હામા સંડોવાયેલ વધુ એક આરોપીને મોરબી સાયબર ક્રાઇમ પોલીસ ટીમ દ્વારા રાજસ્થાનથી ઝડપી લેવામાં સફળતા મળી છે.
મળતી માહિતી અનુસાર મોરબીમાં ગત ૦૪ જાન્યુઆરીના રોજ કિશનભાઇ કાવરને વોટ્સએપ નંબર ઉપર લીંક મોકલી શેરબજારમાં રોકાણ કરવા અંગેની ટીપ્સ મોકલી શેરબજારમાં રોકાણ કરવા માટે લોભામણી લાલચ આપી કિશનભાઈને ઓનલાઈન શેરની લે-વેચ કરવા જણાવતા કિશનભાઈએ કુલ રૂ.૪,૪૭,૧૫૦/- નુ ઓનલાઈન ટ્રાન્જેકશન કરેલ હતું. બાદ પોતે કરેલ રોકાણના પૈસા પાછા આપી દેવા જણાવેલ તો આરોપીઓએ પૈસા પાછા ન આપી કિશનભાઇ સાથે છેતરપીંડી/વિશ્વાસઘાત કરતા તેઓએ મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી/વિશ્વાસઘાત ની કલમ હેઠળ ગુનો નોંધી તપાસની તજવીજ શરૂ કરી હતી.
મોરબી સાયબર ક્રાઇમ પોલીસ ટીમ દ્વારા અગાઉ આ ગુનામાં કુલ ૬ આરોપીઓની ધરપકડ કરવામા આવેલ હોય અને આ ગુનામાં સંડોવાયેલ વધુ આરોપીઓને પકડી લેવા તથા ગુનાના મુળ સુધી જઇ ઉંડાણપુર્વક તપાસ કરી જુદી જુદી ટીમો બનાવી અલગ અલગ દિશામાં પ્રયત્નો હાથ ધરતા સાયબર ક્રાઇમ પોલીસે વધુ એક આરોપી સુનય દિનેશચંદ્ર શાહ રહે આનંદપુરી તા.આનંદપુરી જી. બાંસવાડા (રાજસ્થાન) વાળાને ઝડપી લઇ આગળની તપાસ ચલાવી છે.