કન્યા છાત્રાલય રોડ પર પાર્થ પ્લાઝાના પ્રથમ અને બીજા માળને સિલિંગ કાર્યવાહી.
મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગે ફાયર સેફ્ટી નિયમોના ભંગ બદલ કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ પાર્થ પ્લાઝા કોમ્પ્લેક્ષના પ્રથમ અને બીજા માળને સીલ કરી દીધા છે. અગાઉ ત્રણ વખત નોટિસ આપવામાં છતાં જરૂરી ફાયર સેફ્ટી સિસ્ટમ ન લગાવવામાં આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે.
મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરમાં ફાયર સેફ્ટી નિયમોના પાલન અંગે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે કન્યા છાત્રાલય રોડ પર આવેલ પાર્થ પ્લાઝા કોમ્પ્લેક્ષમાં ફાયર સેફ્ટી સિસ્ટમ ન હોવાના કારણે તેના પ્રથમ અને બીજા માળને સીલ કરવામાં આવ્યા છે. ચીફ ફાયર ઓફિસર જયેશ ડાકીએ જણાવ્યું હતું કે, આ કોમ્પ્લેક્ષ માટે અગાઉ ત્રણ વખત નોટિસ પાઠવવામાં આવી હતી તેમજ મૌખિક રીતે પણ સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં માલિક દ્વારા ફાયર સેફ્ટી સિસ્ટમ લગાવવામાં આવી ન હોવાથી અંતે સીલિંગની કાર્યવાહી કરવી પડી હતી. ફાયર વિભાગે વધુમાં જણાવ્યું હતું કે નિયમો મુજબ ત્રણ શોપિંગ સેન્ટર સામે કાર્યવાહી થવાની હતી, પરંતુ તેમાંના બે સ્થળોએ વર્ક ઓર્ડર મળતા હાલ પાર્થ પ્લાઝાના બે માળ સીલ કરવામાં આવ્યા છે. છેલ્લા બે થી ત્રણ મહિનામાં ફાયર વિભાગ દ્વારા આ બીજી સીલિંગની કાર્યવાહી છે. અગાઉ જેલ રોડ પર આવેલ ગુરુકૃપા કોમ્પ્લેક્સને પણ સમાન કારણોસર સીલ કરવામાં આવ્યું હતું. શહેરની અન્ય ઇમારતોમાં પણ ફાયર સેફ્ટી ચકાસણી ચાલુ રાખવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે.









