મુસાફરના સ્વાંગમાં બેઠેલ બે ઈસમોએ પરપ્રાંતિય શ્રમિકના ખિસ્સામાંથી ૧૨ હજાર સેરવી લીધા.
મોરબીમાં વધુ એક લૂંટારું રીક્ષા ટોળકી સક્રિય થઈ હોવાનું સામે આવ્યું હોવાની ઘટનામાં, મૂળ મધ્યપ્રદેશના વતની વૃદ્ધ શ્રમિક કોઈ કામ સબબ ઉમિયા સર્કલથી ગાંધી ચોક જવા માટે રીક્ષામાં બેસેલ ત્યારે રીક્ષામાં મુસાફરના સ્વાંગમાં પહેલેથી બેસેલ બે ઈસમોએ નવા બસ સ્ટેન્ડ સુધીમાં શ્રમિકના પેન્ટના ખિસ્સામાંથી રૂ.૧૨,૦૦૦/-રોકડા સેરવી લઈને શ્રમિકને ગાંધી ચોકને બદલે નવા બસ સ્ટેન્ડ નજીક ઉતારીને રીક્ષા લઈને નાસી ગયા હતા. હાલ ભોગ બનનાર શ્રમિક દ્વારા રીક્ષા ચાલક સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકના ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના દલવાડી સર્કલ નજીક ઝૂંપડામાં રહેતા મૂળ મધ્યપ્રદેશ રાજ્યના જામવા જીલ્લાના ટ્રમ્લીયા ગામના વતની કાળુભાઇ મંજીભાઈ ડામોર ઉવ.૬૦ ગત તા.૨૯/૦૯ના રોજ ગાંધી ચોક કોઈ કામ સબબ જતા હોય ત્યારે ઉમિયા સર્કલથી એક રીક્ષા આવતા તેઓ તેમાં બેસી ગયા હતા, ત્યારે પ્રથમ રીક્ષા ચાલકની પાસેની સીટમાં બેઠા હતા, જે બાદ થોડે આગળ જતાં રીક્ષા ચાલકે તેઓને રિક્ષાની પાછળની સીટમાં બેસાડ્યા જ્યાં પહેથી જ બે ઈસમો બેઠા હોય અને વૃદ્ધ શ્રમિક કાળુભાઈને બન્ને ઇની વચ્ચે બેસાડ્યા હતા, ત્યારબાદ નવા બસ સ્ટેન્ડ નજીક આવેલ બમ્પમાં રીક્ષામાં થોડી હલચલ દરમિયાન વૃદ્ધની નજર ચૂકવી તેમના પેન્ટના ખિસ્સામાં રહેલા રૂ.૧૨,૦૦૦/-સેરવી લીધા હતા, અને વૃદ્ધને નવા બસ સ્ટેન્ડ નજીક ઉતારી કહેલ કે ‘અમારે ગાંધી ચોક નથી જવું’. રીક્ષામાંથી વૃદ્ધને ઉતારી રીક્ષા ચાલક સહિત ત્રણેય અજાણ્યા ઈસમો ત્યાંથી નાસી ગયા, જે બાદ શ્રમિકે પોતાની મજૂરીના એકઠા કરેલ રૂ.૧૨,૦૦૦/- જે પેન્ટના ખિસ્સામાં રાખ્યા હતા તે જોતા તે મળેલ નહિ. હાલ વૃદ્ધ શ્રમિકની ફરિયાદને આધારે સીટી એ ડિવિઝન પોલીસે અજાણ્યા રીક્ષા ચાલક સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી, લૂંટારું રીક્ષા ટોળકીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.