વ્યાજખોરોએ ત્રણ એકટીવા તેમજ એક કાર પડાવી લીધાનું ફરિયાદમાં ઉલ્લેખ
મોરબી સહિત રાજ્યમાં પોલીસ દ્વારા અનેકો લોક અદાલત અને લૉન મેળા યોજી જાહેર જનતાને વ્યાજંકવાદમાં ન ફસાઈ અને આ વિશે જાગૃતિ લાવવાનું અતિ મહત્વપૂર્ણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત વ્યાજખોરીના ચુંગાલમાં ફસાયેલા અનેકો પીડિતોને મુક્ત કરાવી તેઓને ન્યાય અપાવ્યો છે, હાલ મોરબી શહેરમાં આર્થિક સંકળામણના કારણે વ્યાજના વિષચક્રમાં ફસાયેલ પરિવાર દ્વારા ૮ વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીની ગૌરાંગ શેરી પારેખ શેરી પ્રતિભા એપાર્ટમેન્ટ ૨૦૧ માં રહેતા ઉમંગભાઈ બીમલભાઈ મકવાણા ઉવ.૨૧ એ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી (1)પ્રકાશભાઇ ઉર્ફે બાબુભાઇ મનસુખભાઇ રાઠોડ,(2)તુફેલ અલીભાઇ ગલરીયા, (3)અનિરૂધ્ધસિંહ ઉર્ફે કાળો જામભા જાડેજા,(4)હસન અલી બ્લોચ, (5)હીરાભાઈ દેવસીભાઇ રબારી, (6)જુબેર અલીભાઈ ગલરીયા, (7)ભાવીક વિમલભાઈ સેજપાલ તથા (8)ઈન્દ્રજીત ગજેન્દ્રસિંહ ઝાલા તમામ રહે.મોરબીવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરિયાદી ઉમંગભાઈના પિતાએ ૧૫ વર્ષ અગાઉથી વ્યાજ પર રૂપિયા લેવાનું શરૂ કર્યું હોય જેમાં વ્યાજની અતિશય ઉંચી ટકાવારીને કારણે પરિવાર ઉપર મોટું આર્થિક બોજ સર્જાયું હતું અને જે બાદ સમયાંતરે ફરિયાદી ગૌરાંગભાઈ અને તેમનો નાનો ભાઈ પણ વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયા હતા.
જેમાં આરોપીઓ પૈકીના પ્રકાશભાઈએ દરરોજ રૂ.૨૦૦ વ્યાજ વસુલી જો વ્યાજની ચુકવણી મોડી થાય તો ગાળો આપીને મારપીટ કરવામાં આવતી અને સહી વાળા કોરા ચેકમાં મોટી અમાઉન્ટ લખીને ચેક બાઉન્સ કરાવ્યો અન્ય આરોપી તુફેલ એ બાકીના વ્યાજની રકમના બદલામાં ગૌરાંગભાઈ પાસેથી એકટીવા પડાવી લીધું હતું, તેવી રીતે આરોપી અનિરૂધ્ધસિંહ અને હસન અલી બ્લોચે આપેલા ચેકમાં મસમોટી રકમ લખીને ચેક બાઉન્સની ધમકીઓ આપતા હોય આ સિવાય આરોપી ભાવીક સેજપાલે ફોર વ્હીલર કારના ડાઉન પેમેન્ટ ભરીને તેના હપ્તા પેટેના રૂપિયા ગૌરાંગભાઈ પાસે ભરાવતો અને ગાળો આપી મારપીટ કરતો, જ્યારે આરોપી ઇન્દ્રજીત ઝાલાએ ગૌરાંગભાઈને તેની હોટેલમાં રસોઈ કામ ઉપર રાખી પીડિતનો પગાર વ્યાજ તરીકે પડાવી લેતો હતો.
આમ ફરિયાદી ગૌરાંગભાઈ તથા તેમના પિતાએ આરોપીઓ પાસેથી અલગ અલગ સમયે વ્યાજે રૂપીયા લીધેલ હોય જેનુ ઉચુ વ્યાજ તથા મુળ રકમ ચુકતે ન કરી શકતા આરોપીઓએ ગૌરાંગભાઈ તથા તેમના ભાઇ તથા પિતા પાસે પઠાણી ઉઘરાણી કરી તેમજ આરોપીઓએ એકટીવા નંગ.૦૩ તથા એક સ્વીફટ કાર ગૌરાંગભાઈ પાસેથી લઇ લીધેલ હોય, આ સિવાય ત્રણેય પિતા-પુત્રોને આરોપીઓ ભુંડી ગાળો બોલી ઢીકા પાટુનો માર મારતા તેમજ ચેક રિટર્ન કરવાની ધમકીઓ આપતા હોય જેથી ગૌરાંગભાઈએ પીડિતના પિતા સાથે થયેલી તમામ ઉઘરાણીના લખાણ અને ચેક રિટર્ન સહિતના દસ્તાવેજો પોલીસ મથકમાં રજૂ કરી તમામ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. હાલ સીટી એ ડિવિઝન પોલીસે ગૌરાંગભાઈની ફરિયાદને આધારે આરોપીઓ સામે ગુનો નોંધી તેની અટકાયત કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.