ઇ-કેવાયસીના નામે APK ફાઇલ મોકલી ખેડૂતના બેંક ખાતામાંથી રૂપિયા ઉપાડી લેવાયા, મોરબી સાઇબર ક્રાઇમમાં ગુનો નોંધાયો.
મોરબીના ઘુનડા ગામના ખેડૂતના મોબાઈલમાં સાઇબર ઠગોએ ઇન્ડસઇન્ડ બેંકની ઇ-કેવાયસીના બહાને વોટ્સએપ મારફત .APK ફાઇલ મોકલી, જે ખોલતાની સાથે જ બેંક ખાતામાંથી રૂ. ૧૨.૫૦ લાખ ઉપાડી લીધા હતા. હાલ આ મામલે મોરબી સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં બે મોબાઇલ નંબર ધારક તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ બીએનએસ અને આઈ.ટી. એક્ટની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
સાયબર ફ્રોડ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ફરીયાદી નીતિનભાઈ ઠાકરશીભાઈ કોટડીયા ઉવ.૪૮ રહે. ઘુનડા ગામ પ્લોટ વિસ્તાર મોરબી વાળાએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં આરોપી મોબાઇલ નં. ૯૭૫૩૧ ૦૮૮૮૮ ધારક તથા અન્ય મોબાઇલ નં. ૮૧૦૧૫ ૩૯૪૦૮ ના ધારક તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગઈ તા. ૬ એપ્રિલ ૨૦૨૫ થી ૮ એપ્રિલ ૨૦૨૫ દરમિયાન આ કામના આરોપીઓએ ગુનાહીત કાવતરૂ રચી ફરીયાદીને ફોનમાં ખોટા મેસેઝો કરી ફરીયાદી સાથે છેતરપીંડી કરવાના ઇરાદે ઇન્ડસઇન્ડ બેંક ઇ-કે.વાય.સી નામની APK ફાઇલ ફરિયાદીના મોબાઇલ ફોનમાં વ્હોટસએપ મારફત મોકલી, બેંક ખાતામાંથી ફરિયાદીની જાણ બહાર રૂ,૧૨,૫૦,૦૦૦/- બારોબાર ઉપાડી લઇ છેતરપીંડી કરી હતી. હાલ સમગ્ર સાયબર ફ્રોડ મામલે મોરબી સાયબર ક્રાઇમ પીઆઇ એન.એ.વસાવા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે