મોરબી ખાણ-ખનીજ વિભાગની કાર્યવાહીમાં મિયાણી ગામના ઇસમની સંડોવણી સામે આવી
મોરબી ખાણ-ખનીજ વિભાગ દ્વારા હળવદના મયુરનગર ખાતે પસાર થતી બ્રાહ્મણી નદીના કાંઠે એક્સકેવેટર મશીન વડે ગેરકાયદેસર રેતીનું ખોદકામ કરવાનું કારસ્તાન ઝડપી લેવામાં આવ્યું છે, સાદી રેતી ખનીજના ખોદકામમાં ખાણ-ખનીજ વિભાગે સ્થળ ઉપરથી પકડેલ એક્સકેવેટર મશીન સીઝ કરી તેના માલીક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાત્રી દ્વારા હળવદના મયુરનગર ખાતે આકસ્મિક તપાસ(રેડ) કરી હતી, જેમાં મયુરનગર નજીક પસાર થતી બ્રાહ્મણી નદી પાસે એક જેસીબી કંપનીના એક્સકેવેટર મશીનને સાદી રેતી ખનીજનાં ગેરકાયદેસર ખોદકામ કરવા બદલ પકડી પાડવામાં આવ્યું છે.
આ સાથે ખોદકામ કરાવનાર ઈસમની તપાસ કરતાં આ ખોદકામ એક્સકેવેટર મશીનનાં માલિક અશ્વિનભાઈ પ્રભુભાઈ ડાંગર રહે.મિયાણી તા. હળવદ દ્વારા કરાવતા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. હાલ એકસકેવેટર મશીનને ખોદકામ કરવા બદલ સ્થળેથી પકડી સીઝ કરી તાલુકા પોલીસ સ્ટેશન હળવદ ખાતે મૂકાવી આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.