ટંકારાના લજાઈ ગામે કારખાનાની ઓરડીમાં બન્યો બનાવ, પુત્રની ફરિયાદ પરથી પિતા વિરુદ્ધ ગુનો નોંધાયો.
મોરબી જીલ્લામાં ઉપરા છાપરી હત્યાના બનાવો બનતા ચકચાર મચી છે. જેમાં ટંકારાના લજાઈ ગામે સિલ્વર પ્લાસ્ટિક કારખાનાની ઓરડીમાં પતિએ પત્નીને માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. મૃતક મહિલાના પુત્રની ફરિયાદના આધારે પોલીસે આરોપી પિતા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા તા.૦૭/૦૪ના રોજ માળીયા(મી)ના મોટાભેલા ગામે પુત્રના હાથે પિતાની કરપીણ હત્યા થયાનો બનાવ સામે આવ્યો હતો, ત્યારે વધુ એક હત્યાના બનાવે સમગ્ર જીલ્લામાં ચકચાર મચાવી છે.
મળતી માહિતી મુજબ ટંકારાના લજાઈ-ભીમનાથ રોડ ઉપર ગોરસ કારખાના પાસે આવેલ સિલ્વર પ્લાસ્ટિક નામના કારખાનાની ઓરડીમાં રહેતા મૂળ શનક બાયપાસ રોડ જોગણીનગરના વતની ફરિયાદી સાહીલ સંજયભાઈ ગોવિંદભાઈ ભોજવીયા ઉવ.૧૭ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, તેના પિતા આરોપી સંજયભાઈ ગોવિંદભાઈ ભોજવીયા અને સાહિલની નવી માતા શકુબેન વચ્ચે અગાઉની પત્ની બાબતે અવારનવાર ઝઘડા થતા હતા. ગત તા.૦૮/૦૪ના રોજ રાત્રે પણ આ બાબતે ઉગ્ર બોલાચાલી થતાં આરોપી પિતાએ શકુબેનના માથાના ભાગે કોઈ બોથડ પદાર્થ વડે ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા તેમનું મોત નીપજ્યું હતું.
ત્યારબાદ આરોપીએ પોતાના પુત્રને હત્યા કર્યાની કબૂલાત આપી ધમકી આપી લાશને ફેકવા સાથે આવવા કહ્યું હતું. ત્યારે પુત્રએ ના પાડતા આરોપી એકલા પોતાની પત્નીની લાશ રીક્ષામાં નાખી ભીમનાથ મહાદેવ મંદિર નજીક ડેમ પાસે બાવળની કાંટમાં નાખવા જતા, ફરિયાદી સાહિલે પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહ કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. સમગ્ર મામલે પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









