Wednesday, March 11, 2026
HomeGujaratમોરબીમાં વધુ એક લૂંટની ઘટના: યુવકનું અપહરણ કરી રોકડ અને મોબાઇલ લૂંટ્યા

મોરબીમાં વધુ એક લૂંટની ઘટના: યુવકનું અપહરણ કરી રોકડ અને મોબાઇલ લૂંટ્યા

એકટીવા અને રીક્ષામાં આવેલા ચાર અજાણ્યા શખ્સોએ યુવકને માર મારી રૂ.૩૭ હજારનો મુદ્દામાલ પડાવ્યો.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિ વચ્ચે લૂંટ અને મારામારીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે બેલા ગામ નજીક યુવક સાથે અપહરણ અને લૂંટની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એકટીવા અને સી.એન.જી રીક્ષામાં આવેલા ચાર અજાણ્યા શખ્સોએ યુવકનું અપહરણ કરી માર માર્યો હતો અને તેની પાસે રહેલ રૂ.૩૫ હજાર રોકડ તથા મોબાઇલ મળી કુલ રૂ.૩૭ હજારનો મુદ્દામાલ લૂંટી લીધો હતો. આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા, પોલીસે આરોપીઓને પકડી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

લૂંટ અને અપહરણના બનાવ મામલે મળતી વિગતો મુજબ, ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા પ્રકાશભાઈ ગોવિંદભાઈ શેરસીયા ઉવ.૩૫એ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદ મુજબ, પ્રકાશભાઈ તા. ૮ માર્ચે સાંજે પોતાના કામ અર્થે મહેન્દ્રનગર ચોકડી ખાતે સંબંધીની ફેબ્રિકેશનની દુકાને ગયા હતા. ત્યારબાદ ફોર્કલિફ્ટના કામ માટે બેલા-રંગપર ગામ તરફ જવા માટે તેઓ સંબંધીએ આપેલું મોટરસાયકલ લઇ રવાના થયા હતા. બેલા ગામ પાસે સી.એન.જી પેટ્રોલ પંપ સામે રેંજ સિરામિક પાછળ તેઓ મજૂરો માટે દેશી દારૂ લેવા રોકાયા હતા. તે દરમિયાન એક એક્ટીવા પર આવેલા બે શખ્સો તથા સી.એન.જી. રીક્ષામાં આવેલા બે શખ્સો એમ કુલ ચાર અજાણ્યા યુવકો ત્યાં આવ્યા હતા. તેઓએ “અહીં કેમ ઉભા છો?” કહી બોલાચાલી શરૂ કરી અને આરોપીઓએ પ્રકાશભાઈ સાથે મારામારી કરી હતી. ત્યારબાદ ચારેય શખ્સોએ તેમને બળજબરીપૂર્વક સી.એન.જી રીક્ષામાં બેસાડી રેંજ સિરામિક કારખાનાના પાછળના વિસ્તારમાં લઈ ગયા હતા. ત્યાં આરોપીઓએ લાકડાના ધોકા તથા પટ્ટાથી માર મારી શરીરે ડાબી આંખ પાસે, પીઠ તથા કમરના ભાગે ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં પ્રકાશભાઈ પાસે રહેલ આશરે રૂ.૩૫,૦૦૦/- રોકડા તથા સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન આશરે રૂ.૨,૦૦૦/- મળી કુલ રૂ.૩૭,૦૦૦નો મુદ્દામાલ લૂંટી લીધો હતો.

જે બાદ ઇજાગ્રસ્ત પ્રકાશભાઈએ મિત્રને બનાવની જાણ કરી સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ થયા હતા. બાદમાં પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ તાલુકા પોલીસે અજાણ્યા ચારેય આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ ૩૦૯(૬), ૧૪૦(૩), ૩૫૧(૨), ૩૫૨, ૫૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!