મોરબી જિલ્લામાં જાણે પોલીસનો કોઈ ખોફ જ ન રહ્યો હોય તેમ અસામાજિક તત્વો એક બાદ એક ગુનાહોને અંજામ આપી રહ્યા છે. અને શહેર તેમજ જિલ્લાની શાંતિ ભંગ કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યા છે.ત્યારે ગઈકાલ મોડી રાત્રે જમીન મકાનના એક દલાલની પૈસાની લેતી દેતી બાબતે હત્યા નીપજાવવામાં આવી હોવાની ઘટના સામે આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાના વાંકાનેરના જીનપરા વિસ્તારમાં ગતરોજ પૈસાની લેતી દેતી બાબતે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં વાંકાનેરની અમરનાથ સોસાયટીમાં રહેતા અમિતભાઈ કોટેચા નામના જમીન મકાનના દલાલ ઉપર અમુક શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. તે જ સમયે વાંકાનેર સીટી પી.આઈ. એન.કે. વસાવા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ઘટના બનતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને મૃતકને બચાવવા શક્યતઃ પ્રયત્નો કર્યા હતા. પરંતુ આરોપીઓના છરી અને ગુપ્તી ના ઘા ના કારણે અમિત અશ્વિનભાઈ કોટેચાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, બે આરોપીઓની ઘટના સ્થળ પરથી જ અટકાયત કરવામાં આવી છે. જ્યારે અન્ય બે આરોપીઓ ભાગી જતા તેમને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ત્યારે પ્રાથમિક માહિતી મુજબ, ઇમરાન અને ઇનાયત પીપરવાડિયા નામના વ્યક્તિઓ સાથે મૃતક અમિતભાઈ ને પૈસાની લેતી દેતી મામલે બોલાચાલી થઈ હતી જે મામલો બિચકતા અમિતભાઈની હત્યા કરવામાં આવી હોવાની હાલ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.