મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત થયા હતા. જે બાદ ૧૦ આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અને હવે આ કેસમાં ઑરેવા કંપનીને પણ આરોપી બનાવવામાં આવે તેવી અરજી કરવામાં આવી છે. તેમજ આ કેસમાં હત્યાની ૩૦૨ કલમ ઉમેરવા પણ અરજી કરાઈ છે. જે અરજીને લઈ આગામી તા ૮ ઓગસ્ટે નાં રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
મળતી માહિતી અનુસાર,ગત વર્ષ ૩૦ ઓકટોબર ના રોજ મોરબીમાં ઝૂલતા પુલ તૂટી જવાના કારણે ૧૩૫ જેટલા લોકોના મોત થયા હતા. જે ઝૂલતા પુલનું મેનેજમેન્ટ અને મેન્ટેનેન્સનું કામ મોરબીની ઓરેવા કંપની દ્વારા કરવામાં આવી રહ્યું હતું. જેથી કંપની વિરુધ્ધ પણ કાર્યવાહી કરવા અને કંપનીને આરોપી બનાવવા માટે વિકટીમ એસોસિએશનના સભ્ય દ્વારા અરજી કરવામાં આવી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, હાલ સમગ્ર કેસ હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે. અને કેસમાં સૂઓમોટો અને પિટિશનની સુનાવણીઓ દરમિયાન મૃતકોનાં પરિવારો અને ઇજાગ્રસ્તોને વળતર ચૂકવવામાં આવ્યું છે. જો કે, આ કેસમાં વિકટીમ એસો. દ્વારા ૩૦૨ નો ઉમેરો કરવામાં આવે અને કંપનીને આરોપી જાહેર કરવામાં આવે તે માટે મોરબી કોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેની આજ રોજ સુનાવણી થવાની હતી. પરંતુ આરોપી ઓરેવા કંપનીનાં માલિક જયસુખભાઈ પટેલનાં વકીલ દ્વારા આ મામલે વાંધા જવાબ રજૂ કરવા માટે વધુ સમયની માંગણી કરતાં કોર્ટે તેઓને ૮ ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે. ત્યારે ઉલ્લેખની છે કે, આ કેસમાં ભોગ બનેલા પરિવારના વકીલ તરીકે હાલમાં હાઇકોર્ટના વકીલ ઉત્કર્ષ દવે, રાહુલ શર્મા અને મોરબીના દિલીપભાઇ અગેચાણિયા રોકાયેલા છે.