સામસામી ફરિયાદમાં કુલ ૧૨ આરોપીઓ સામે ગુનો નોંધાયો.
મોરબીના શકત શનાળા ગામે મોટર સાયકલ ઉપર નીકળેલ બે યુવકને પ્રૌઢ મહિલા દ્વારા ધીમું ચલાવવાનું કે અથડાવવાની સામાન્ય ઘટના અંગેનો ખાર રાખી બે પરિવારો વચ્ચે ધોકા, પાઇપ, લોખંડની ટામી જેવા હથિયારો સહિત મારા મારી થઈ હતી, મારા મારીના બનાવમાં બંને પરિવારના ૯ જેટલા સભ્યોને નાની-મોટી ઇજાઓ થઈ હતી, જેમાં એક ૪ વર્ષીય બાળકને માથામાં ધોકો વાગી જતા હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય જેની સ્થિતિ નાજુક હોવાનું સામે આવ્યું છે, હાલ બંને પરિવારો વચ્ચે થયેલ બબાલ અંગે બંને પક્ષો દ્વારા સીટી એ ડિવિઝનમાં સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
જાણવા મળતી વિગતો અનુસાર, મોરબીના શકત શનાળા ગામે શક્તિ પ્લોટમાં રહેતા મહિપતભાઈ અમરશીભાઈ સનારીયા ઉવ.૩૧ એ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી નૈતીક વિનોદભાઇ વાઘેલા, વિનોદભાઇ અમરશીભાઈ વાઘેલા, કાનાભાઈ નથુભાઇ વાઘેલા, કિશોરભાઈ નથુભાઇ વાઘેલા, દિનેશભાઈ અમરીશભાઈ વાઘેલા, નથુભાઈ વાઘેલા તથા પ્રવીણભાઇ નથુભાઇ વાઘેલા એમ કુલ સાત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ગઈ તા.૧૮/૦૧ના રોજ ફરિયાદી મહિપતભાઈના માતા કાંતાબેન ચાલીને ઘરે આવતા હોય ત્યારે આરોપી નૈતિક સહિત બે યુવક શેરીમાં મોટર સાયકલ લઈને નીકળેલ ત્યારે કાંતાબેન સાથે મોટર સાયકલ અથડાતા કાંતાબેને ઠપકો આપ્યો હતો જેથી આરોપી નૈતિકે પ્રૌઢ મહિલાને જેમ ફાવે તેમ ગાળો આપી હતી જે બાબતની ઘરે આવીને વાત કરતા મહિપતભાઈનો ભત્રીજો બંને યુવકને સમજાવવા જતા તેમને પણ ગાળો આપી અને સામાન્ય બોલાચાલી થઈ હોય જે બાદ ફરીથી તા.૨૦/૧ના રોજ મહિપતભાઈના ભત્રીજાને આરોપી નૈતિક દ્વારા ફોન કરીને ગાળો આપી હતી, ત્યારે સમગ્ર બાબતે મહિપતભાઈએ આરોપી નૈતિકને સમજાવવા ફોન કરીને વાત કરતા આરોપી નૈતિકે ગાળો આપી હતી. ત્યારે ચાલુ ફોનમાં નૈતિકના પિતા આરોપી વિનોદભાઈએ છોકરાઓ વચ્ચેની બબાલ માટે સમાધાન માટે આંબેડકર ચોકમાં મહિપતભાઈને બોલાવ્યા હતા.
સમાધાન બાબતે મહિપતભાઈ તથા તેમના પત્ની, ભાભી, ભત્રીજો બધા આંબેડકર ચોકમાં ગયા હતા જ્યાં સમાધાન માટે વાતચીત દરમિયાન વાત વણસી હતી અને ઉપરોક્ત સાતેય આરોપીઓએ એક સંપ કરીને લાકડાના ધોકા, પાઇપ તથા લોખંડની ટામી વડે મહિપતભાઈના પરિવારના મહિલા-પુરુષ સભ્યોને માર મારવાનું ચાલુ કર્યું હતું આ દરમિયાન મહિપતભાઈના માતા સહિતના આજુબાજુ રહેવાસી છોડાવવા વચ્ચે આવતા મહિપતભાઈના ૪ વર્ષીય પુત્રને આરોપી કાનાભાઈ નથુભાઈ વાઘેલાએ માથામાં લાકડાનો ધોકો ફટકાર્યો હતો જેથી લોહી નીકળતી હાલતમાં પોતાના પુત્રને મહિપતભાઈ તથા પરિવારના સભ્યો અર્ટિગા કારમાં સારવાર અર્થે લઈ જતા હોય ત્યારે ઉપરોક્ત આરોપીઓએ કારમાં હુમલો કરી નુકસાની કરી હતી. જે બાદ ૪ વર્ષીય બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ લાવતા માથામાં હેમરેજ થયું હોય અને હાલ બાળક બેભાન અવસ્થામાં છે. જ્યારે પરિવારના બીજા સભ્યોને શરીરે મૂંઢ ઇજાઓ થઈ હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. જેથી એ ડિવિઝન પોલીસે ૭ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
જ્યારે સામા પક્ષે ફરિયાદ નોંધાવી છે જેમાં શકત શનાળા આંબેડકર ચોકની સામે રહેતા હિતેષભાઈ મહેશભાઈ વાઘેલા ઉવ.૧૯ એ આરોપી રસીકભાઈ કેશુભાઈ સનારીયા, રસીકભાઈ ના નાના ભાઈ, મહીપતભાઈ અમરશીભાઇ સનારીયા, હરેશ ગોવિંદભાઇ સનારીયા તથા વિજય ગોવિંદભાઈ સનારીયા એમ પાંચ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ફરીયાદીને આરોપી મહિપતભાઈના માતા સાથે મોટરસાયકલ ધીમે ચલાવવા બાબતે બોલાચાલી થયેલ હતી જે વાતનો ખાર રાખી આરોપી હરેશભાઇ ગોવિંદભાઇ સનારીયા અને વિજયભાઈ ગોવિંદભાઇ સનારીયાએ ફરિયાદીના મોટાબાપુ વિનોદભાઈને તથા કાકા કાંતીભાઈ વાઘેલા તથા ભાઈ સિધ્ધાર્થ વિનોદભાઈ સાથે ગાળા ગાળી કરી ઢીકાપાટુનો માર મારેલ તથા આરોપી રસિકભાઈએ અને મહિપતભાઈએ ફરિયાદી હિતેશભાઈને લાકડાનો ધોકાથી તથા ઢીકા મારી મુંઢ ઇજા પહોંચાડી હતી. આરોપી રસિકભાઈના નાના ભાઈએ ફરિયાદી સાથે જપાજપી કરેલ તેવામાં આરોપી મહીપતભાઈના દીકરાને માથામાં કંઈક લાગી જતા ઉપરોક્ત આરોપીઓ સફેદ કલરની અર્ટીગામાં બેસી ત્યાથી જતા હતા ત્યારે આ ફોર વ્હીલ કાર અરોપી મહિપતભાઈ ચલાવી જતા હોય ત્યારે ફરિયાદીના ફઇબા દયાબેન અલ્પેશભાઈ પંચાલને ફોર વ્હીલ ઘસાઈ જતા તેમને પગમાં તથા થાપામાં તેમજ શરીરે મુંઢ ઇજાઓ થયેલ તથા ફરિયાદીને મુંઢ ઈજાઓ કરી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.
ઉપરોક્ત મારા મારીના બનાવમાં બંને પક્ષો દ્વારા સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે જેને આધારે સીટી એ ડિવિઝન પોલીસે કુલ ૧૨ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.