ઉટબેટ (શામપર) ખાતે એક પશુપાલકોનાં ઊંટોનું ખોરાક ન મળવાના કારણે મોત થયું છે. જેને કારણે ઊંટ સાથે સંકળાયેલા ગરીબ પરીવારો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. જેને લઇ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મોરબી જિલ્લાના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી પશુપાલકોને વળતર આપવા માંગ કરી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મોરબી જિલ્લાના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા દ્વારા મુખ્યમંત્રીને લખાયેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, મોરબી તાલુકાના ઉંટબેટ (શામપર) મુકામે જત સમાજના પશુપાલકો દ્વારા ઊંટ ઉછેરનો વ્યવસાય કરવામાં આવે છે. જે માટે તેઓ GJ 1/03/024/3005 થી લાયસન્સ ધરાવે છે. જત સમાજ દ્વારા મુખ્યત્વે ખારાઈ ઊંટનું પાલન કરવામાં આવે છે. ખારાઈ ઊંટનો મુખ્ય ખોરાક દરિયામાં ઉગતી વનસ્પતિ ચેર હોય છે. પરંતુ જયા આ વનસ્પતિ ઉગે છે. તે વિભાગમાં ફોરેસ્ટ વિભાગે આડસ ઉભી કરેલ હોય, તેથી ઊંટોને તેનો ખોરાક મળતો નથી. જે તે સમયે સરકારે આ જગ્યાએ તેમના ઊંટોને ખોરાક માટે લઈ જવાની પ૨વાનગી આપેલ હતી. આમ, છતાં ખોરાક ન મળવાના અભાવે આ વર્ષે નાના-મોટા કુલ ૭૦ (સિંતેર) ઊંટોનું મરણ થયું છે. જેથી ગરીબીની રેખા નીચે જીવતા અને મુખ્યત્વે ઊંટ સાથે સંકળાયેલા આ ગરીબ પરીવારો આર્થિક સંકટનો સામનો કરી રહયા છે. તો આ પરિવારને આર્થિક સંકટમાંથી ઉગારી શકાય તે માટે યોગ્ય આર્થિક વળતર આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મોરબી જિલ્લાના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા દ્વારા મુખ્યમંત્રીને લખાયેલ પત્રમાં માંગ કરવામાં આવી છે.