મોરબીના ભડિયાદ ગામે થોડા દિવસો પહેલા એક યુવાનની બે શખ્સોએ હત્યા કરી નાખી હતી. થોડા દિવસો પહેલા આ હત્યાના બનાવમાં ફરાર રહેલા બેમાંથી એક આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. ત્યારે હવે પોલીસે મુખ્ય આરોપીની પણ ધરપકડ કરી છે અને પોલીસે હત્યાનું કારણ જાણવા મુખ્ય આરોપીની આકરી પૂછપરછ હાથ ધરી છે.
મોરબી તાલુકાનાં ભડિયાદ ગામ પાસે આવેલ મિલેનિયમ સીરામીક ફેકટરીમાં રહીને મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની મનોજસિંગ માધુસીંગ પરમાર નામના શ્રમિક યુવાનની ગત 15 ડિસેમ્બરના રોજ મૂઢ માર મારીને હત્યા કરાયેલી લાશ આ ફેકટરીના માટીના ઢગલા પાસેથી જ મળી આવી હતી. આ બનાવ અંગે મૃતકના પિતા માધુસીંગ પરમારે તે જ કારખાનામાં રહેતા બલરામ રમેશભાઈ આદિવાસી અને અમરેલીના રાજુલામાં રહેતા રામસિંગ અમરસિંગ સામે પુત્રની હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે થોડા સમય પહેલા આ ફરાર રહેલા બન્નેમાંથી એક આરોપી રામસિંગ ઉર્ફે રાજુ અમરસિંગ વસુનિયાની રાજુલા પાસેથી ધરપકડ કરી હતી. જો કે આ આરોપી પાસેથી પોલીસે હત્યાના બનાવની સાચી વિગતો મળી ન હતી. ત્યારે હવે તાલુકા પોલીસે આ હત્યાના બનાવના મુખ્ય આરોપી બલરામ રમેશભાઈ આદિવાસીની ધરપકડ કરી છે અને તેની પાસેથી આ બનાવનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.