મકરસંક્રાંતિનો તહેવાર નજીક હોવાથી તંત્ર દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ તથા ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જોકે આમ છતાં પણ બજારમાં ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે પોલીસ ચાઇનીઝ દોરી અંગે લોકોમાં અને તેમાં પણ વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે તે માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. અંતર્ગત આજે નાની વાવડી ગામ ખાતે આવેલ કુમાર પ્રાથમિક શાળા ખાતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર દ્વારા માર્ગદર્શન કેમ્પ યોજવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, આજરોજ કુમાર પ્રાથમિક શાળા નાની વાવડી ગામ ખાતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર દ્વારા વિદ્યાર્થીઓને ચાઇનીઝ દોરી તથા તુક્કલનો ઉપયોગ ન કરવા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું અને તેનાથી થતા નુકશાન અંગે જાણકારી આપવામાં આવી હતી. તેમજ બાળકોએ પણ ક્યારેય ચાઇનીઝ દોરી કે તુક્કલનો ઉપયોગ ન કરવા અંગે ખાતરી આપી હતી અને પોતાના મિત્રો તેમજ સગા સંબંધી તથા પાડોશીઓને પણ ચાઇનીઝ દોરી કે તુક્કલનો ઉપયોગ ન કરવા અંગે સમજાવશે એવી બાંહેધરી આપી હતી.