જમીન વેચાણ કર્યા અંગે માઠું લાગતા બંને પુત્રોએ સુરતથી આવેલ પિતા અને ભાઈને માર મારી કારમાં નુકસાન કર્યું
વાંકાનેર તાલુકાના મહિકા ગામે પિતાએ જમીન વેચાણ કર્યા અંગે પુત્રોને સારું નહીં લાગતા પિતા અને ભાઈ કારમાં મહિકાથી કાનપર અલ્ટો કારમાં જતા હોય ત્યારે બંને પુત્રો દ્વારા કારને આંતરી કાર સવાર પિતા અને ભાઈ સહિત ત્રણને લાકડાના ધોકા તથા લોખંડના પાઇપ વડે માર મારી ઇજાઓ પહોંચાડી કારમાં પણ નુકસાની કરી હતી, હાલ વાંકાનેર તાલુકા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી તેની અટક કરવા તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મૂળ વાંકાનેરના મહિકા ગામના વતની હાલ સુરત ઉન પાટીયા રાહત સોસાયટી બિલ્ડીંગ નં ટી-૧૦૧ માં રહેતા ઇમુદીનભાઇ હબીબભાઇ બાદી ઉવ.૪૦ એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી સીદીકભાઇ હબીબભાઇ બાદી તથા આરોપી ઉવેશભાઇ હબીબભાઇ બાદી રહે.બન્ને મહિકા ગામ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જે મુજબ ફરીયાદી ઈમુદિનભાઈના પિતા હબીબભાઈના નામે મહિકા ગામે જમીન આવેલ હોય જે જમીન વેચાણ કરેલ હોય જેથી તેના દસ્તાવેજ માટે તા.૧૬/૦૧ના રોજ સુરતથી ઈમુદિનભાઈ તથા તેના પિતા હબીબભાઈ મહિકા ગામ આવ્યા હોય, ત્યારે જમીન વેચાણ બાબતે બંને આરોપીઓને સારુ નહિ લાગતા ઈમુદિનભાઈ તેમનો મિત્ર અને તેમના પિતા પોતાની અલ્ટો કાર રજી.નં. જીજે-૦૩-એમઆર-૨૪૯૨ લઈને મહિકાથી કાનપર તરફ જતા હતા ત્યારે રસ્તામા આરોપી સીદીકભાઈએ મોટર સાયકલ આડુ રાખી લોખંડના પાઇપ વડે અલ્ટો કારના દરવાજાના તથા આગળનો કાચ તોડી નાખી નુકશાન કરી ઈમુદિનભાઈને હાથની આંગળીમા ઇજા કરી તેમજ ખંભાના ભાગે પાઇપ મારી મુંઢ ઇજા કરેલ અને તના પિતા હબીબભાઇને બંને આરોપીઓએ હાથમા લોખંડનો પાઇપ અને વાસામા લાકડાનો ધોકો મારી મુંઢ ઇજાઓ કરી તેમજ ઈમુદિનભાઈના મિત્ર મહેબુબભાઇને હાથમા તથા મોઢામા તથા ખંભાના ભાગે ઇજાઓ કરી એકબીજાની મદદગારી કર્યા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.