બંદૂક જેવું હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા વાછકપરના શખ્સ સહિત આઠ સામે ફરિયાદ
ટંકારાના ઓટાળા ગામે ખેતરમાં જવાનો રસ્તો આરોપી દ્વારા બંધ કરી દેતા મામલતદાર કચેરીમાં કેસ કરેલ હોય જે બાબતનો ખાર રાખી આઠ જેટલા શખ્સોએ લોખંડના પાઇપ, ધોકા વડે ભોગ બનનાર તથા તેના પિતા, કાકા તેમજ પિતરાઈ ઉપર હુમલો કરી ફ્રેકચર જેવી ઈજાઓ પહોંચાડી બંદૂક જેવું હથિયાર બતાવી પતાવી દેવાની ધમકી આપી હતી. ત્યારે સમગ્ર બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે આરોપી આઠેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા નિકુલભાઈ નરભેરામભાઈ ઘોડસરા એ ટંકારા પોલીસ મથકમાં આરોપી રોહિતભાઈ નાનજીભાઈ ફાંગલીયા તથા અજાણ્યા સાત આરોપી સહિત આઠ આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી કે ટંકારા તાલુકાના ઓટાળા ગામની સીમમાં ફરિયાદી નિકુલભાઈની વડીલો પારજીત ખેતીની જમીન આવેલ છે ત્યારે આ જમીનમાં જવા માટે વર્ષોથી ઓટાળા ગામના જ બેચરભાઈની જમીનમાંથી આવવા-જવાનો રસ્તો આવેલ હોય અને હાલ આ જમીન બેચરભાઈએ આરોપી રોહિત નાનજી ફાંગલીયાને વેચણથી આપી દેતા આરોપી રોહિતભાઈએ આ રસ્તો બંધ કરેલ હોય જેથી નીકુલભાઈએ ટંકારા મામલતદાર સમક્ષ રજૂઆત કરેલ અને આ અંગે કેસ ચાલુ હોય તેનો ખાર રાખીને તેમજ જમીનમાં જવાનો રસ્તો કાયમ માટે બંધ કરવાનો ઈરાદો રાખીને ગતકાલ તા.૨૨ ના રોજ નીકુલભાઈ તથા તેના પિતા, કાકા તથા કાકાનો દીકરો એમ બધા ઉપરોક્ત આ રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપી રોહિત ફાંગલીયા તથા તેની સાથે આવેલા સાતેક જેટલા માણસો સહિતે લોખંડના પાઇપ લાકડી તથા લાકડાના ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો. જેમાં નિકુલભાઈને માથાના પાછળના ભાગે જીવલેણ ઘા તથા શરીરના અન્ય ભાગે તેમજ તેમના ભાઈ તથા કાકાને નાની-મોટી ગંભીર ઇજાઓ કરી સાથે લાવેલ બે ખાનગી વાહનોમાં નાસી ગયા હતા ત્યારે પોતાના પાસે રહેલ ગન બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોય તથા ભૂંડા બોલી ગાળો આપી જતા રહેલ હોય તે મુજબની ફરિયાદ નોંધાવી હતી. હાલ નીકુલભાઈની ફરિયાદના આધારે ટંકારા પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.