ટંકારા તાલુકામાં આવતા લજાઈ જડેશ્વર રોડનું હાલ જે વાઇટનીંગ અને રી સરફેસનું કામ ચાલુ છે. હજુ આ રોડ પુર્ણ થયો નથી અને આ કામમાં ભ્રષ્ટાચારની ગંધ આવતી હોવાનું લોકોનું કહેવું છે. હજુ ચોમાસાએ દસ્તક દીધી છે. ને ત્યાં રોડનું ડામર ઉખડવા લાગ્યું છે. અને ગાબડાં પડી રહ્યા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, કામ બાબતે સામાજિક કાર્યકર અને આરટીઆઇ એકિટવિસ્ટ અને એડવોકેટ અનિલ બાબુલાલ ડાકા તેમજ પ્રવિણભાઈ મેરજાના અથાગ પ્રયત્નોથી કામ ચાલુ થયું હતું.
મળતી માહિતી અનુસાર, લજાઈ ચોકડીથી સુપ્રસિદ્ધ યાત્રાધામ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરને જોડતા માર્ગને પહોળો કરવા અને નવીનીકરણ કરવાના કામમાં માર્ગ અને મકાન વિભાગની સાંઠગાંઠથી કોન્ટ્રાકટર લોટ, પાણીને લાકડા જેવું કામ કરી રહ્યો હોય તેવું ગ્રામલોકોનું કહેવું છે. આ રોડ અતિ બિસ્માર હાલતમાં હોવાથી ઘણા સમયથી બંધ હોવાના કારણે રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો પરંતુ હાલમાં જ આ રોડનું કામ થયું છે જે હજુ પુર્ણ થયું નથી ને ત્યાં રોડ પર ગાબડાં પડી રહ્યા છે. જેને લઈ લોકોમાં પણ પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે કે, શું ૧૦ કરોડ મંજુર થયા છે છતા આવું જ કામ કરવામાં આવે છે ? ત્યારે ઉલ્લેખનીય છે કે, આ રોડ ચાલું કરાવવામાં ખુદ ટંકારા- પડધરીના વિસ્તારનાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખના પતિ પ્રભુલાલ કામરીયા તેમજ અન્ય પદાધિકારીઓ હાજર હતા.