દેશના અલગ-અલગ ભાગોમાં નવરાત્રીની ઉજવણી અલગ-અલગ રીતે કરવામાં આવે છે. નવરાત્રી એટલે આરાધ્ય પર્વ કે જ્યાં નવ દુર્ગાની સ્થાપના કરી નવ દિવસ નવદુર્ગાનું પૂજન થાય છે. ત્યારે હળવદનાં રાજ રાજેશ્વરી હરસિધ્ધિ માતાજીના મંદિરે કુંવારિકા પૂજનનું અનોખું મહત્વ રહેલું છે.
હળવદ ખાતે આવેલા રાજ રાજેશ્વરી હરસિદ્ધિ માતાજીના મંદિરે નવરાત્રીની ઉજવણી વિશિષ્ટ રીતે કરવામાં આવે છે. હરસિદ્ધિ માતાજીના મંદિરે માતાજીના ગરબાની સ્થાપના કરી નવે નવ દિવસ અલગ-અલગ યજમાનો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યારબાદ માતાજીના ગરબા ગાવામાં આવે છે અને ૫૧ કુંવારિકાઓનું પૂજન કરી તેમને શોળે શણગારની લહાણી કરવામાં આવે છે. તેમજ નવે નવ દિવસ બાળાઓને ગમતા ભોજનનું પ્રસાદ બાળાઓ અને દર્શનાર્થીઓને પીરસવામાં આવે છે. અને દર પૂનમે પણ હરસિદ્ધિ માતાજીના મંદિરે બહારથી આવતા દર્શનાર્થીઓ માટે જમણવારની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે.