બે દિવસ પહેલા બનાવ બન્યા બાદ પણ રેલવેતંત્રએ મૃતદેહ ન હટાવતા પેસેન્જર અને સ્ટાફ હેરાન પરેશાન
વાંકાનેર : વાંકાનેર રેલવે સ્ટેશન ઉપર બે દિવસ પહેલા રખડતા ધણખૂંટનું ટ્રેન હડફેટે મોત નિપજ્યા બાદ રેલવે તંત્ર દ્વારા મૃતદેહ હટાવવાની તસ્દી ન લેવાતા હાલમાં માથું ફાડી નાખે તેવી દુર્ગંધને કારણે પેસેન્જર અને સ્ટાફને સ્ટેશન ઉપર ઉભું રહેવું મુશ્કેલ બન્યું છે.
કોરોના કાળમાં વાંકાનેર રેલવે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. સ્ટેશન ઉપર સ્વચ્છતા જાળવવામાં નિષ્ફળ રેલવે તંત્ર દ્વારા બે દિવસ પૂર્વે એટલે કે તા.12 ના રોજ રેલવે એન્જીન હડફેટે આવી ગયેલ ધણખૂંટના મૃતદેહને હટાવવામાં ન આવતા હાલમાં રેલવે સ્ટેશન ઉપર ઉભું રહેવું પણ મુશ્કેલ બન્યું છે. દરરોજ અહીંથી સેંકડો લોકો રેલવેયાત્રા કરતા હોય તેવા સમયે બબ્બે દિવસ વીતવા છતાં રેલવે તંત્રએ આ ધણખૂંટના મૃતદેહને હટાવવા કાર્યવાહી ન કરતા હવે રોગચાળાનો ખતરો સર્જાયો છે.