ગુજરાત ATSએ ગત જાન્યુઆરી માસમાં ખંભાત તાલુકાના નેજા ગામમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર માદક પદાર્થ અલ્પ્રાઝોલમ બનાવતી ફેક્ટરીમાં દરોડા પાડ્યો હતો. ATS ની ટીમ દ્વારા કુલ 6 આરોપીઓને ઝડપી રૂપિયા 107 કરોડની કિંમતનો અલ્પ્રાઝોલમનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ જથ્થો મધ્યપ્રદેશ લઈ જવાનો પ્લાનિંગ હોવાનું ATS ની પૂછપરછમાં સામે આવ્યું હતું. ત્યારે હવે આ બનાવમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત એ.ટી.એસ. દ્વારા ગત તા.૨૩/૦૧/૨૦૨૫ ના રોજ આણંદના ખંભાત તાલુકાના નેજા ગામમાં આવેલ ગ્રીનલાઇફ ઇન્ડસ્ટ્રીઝમાં રેઇડ કરી માદક પદાર્થ બનાવતી એક મેન્યુફેક્ચરિંગ યુનિટ/ફેક્ટરી શોધી કાઢી ૧૦૭ કિલો અલ્ટ્રાઝોલમનો અંદાજીત રૂ.૧૦૭ કરોડનો જથ્થો તથા ૨૫૧૮ કિલો અન્ય કેમીકલ પકડી પાડ્યો હતો. ત્યારબાદ આ સાથે સંકળાયેલ ૫૦૦ કિલો ટ્રામાડોલ ધોળકા ખાતેના વેરહાઉસમાંથી પકડી પાડ્યા હતા. જે ગુનાહિત પ્રવૃતિમાં સામેલ કુલ ૦૬ આરોપીઓ અજય જૈન, વિજય મકવાણા, હેમન્ત પટેલ, લાલજી મકવાણા, રણજીત ડાભી તથા જયદીપ મકવાણાની ધરપકડ કરી એ.ટી.એસ. પોલીસ સ્ટેશન ખાતે NDPS Act હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ગુનાની તપાસ દરમ્યાન ભારત તથા ગુજરાત સરકારની નાર્કોટિક્સ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અંતર્ગત ટોપ ટુ બોટમ એપ્રોચ અપનાવી તપાસ કરનાર અધિકારી પી.આઈ. સી.એચ.પનારા તથા તેમની ટીમને તપાસ દરમ્યાન જાણવા મળેલ કે, આરોપી અજય જૈન ગેરકાયદેસર માદક પદાર્થ અલ્ટ્રાઝોલમ અને ટ્રામાડોલ આરોપી વિજય મકવાણા પાસેથી મેળવી અસ્લમ ખાન, કાલુરામ પાટીદાર અને સકિલ મોહમ્મદને વેંચાણથી આપતો હતો. અસલમ ખાન દ્વારા ૦૫ કિલો અલ્ટ્રાઝોલમ માટે રૂ.૧૫ લાખ તથા કાલુરામ પાટીદાર અને સકિલ મોહમ્મદ દ્વારા ૧૧ કિલો અલ્ટ્રાઝોલમ માટે રૂ.30 લાખ આરોપી અજય જૈનને આંગડિયા દ્વારા નાણાની ચુકવણી કરાઈ હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું હતું. આ ઉપરાંત ઈસમો દ્વારા ૧૦૭ કિલો અલ્ટ્રાઝોલમ બનાવવા માટે રૂ.૩૦ લાખ એડવાન્સમાં આપેલ હોવાની વિગતો જાણવા મળી હતી. જે આધારે પકડાયેલ આરોપીઓની પુછપરછ અને હ્યુમન રિસોર્સની મદદથી આ કેસના વોન્ટેડ આરોપીઓ અસ્લમ ખાન હાજીઆલમ ખાનની જાવરા, જિલ્લો-રતલામ, મધ્યપ્રદેશ ખાતેથી, કાલુરામ પાટીદારની જિરિયાખેડી, જીલ્લો-રાજગઢ, મધ્યપ્રદેશ ખાતેથી, સકિલ મોહમ્મદની ભવાનીમંડી, જીલ્લો-ઝાલાવાડ, રાજસ્થાન ખાતેથી સતત ૭૨ કલાકની સઘન કાર્યવાહીના અંતે ૦૨ રાજ્યોના ૦૩ જીલ્લાઓમાંથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.