ટંકારા તાલુકાના ઘુનડા(સ.) ગામે ખેત શ્રમિક બે ભાઇઓ ઉપર ખેતી કામ સિવાય અન્ય કામ કરાવવા મામલે તથા જમીનના ભાગને લઇને વિવાદ સર્જાયો હતો. જેથી આરોપીઓએ જાતિ પ્રત્યે અપમાનિત કરી, અપશબ્દો આપી, બાદમાં લાકડી અને પાઇપ વડે બન્ને ભાઈઓને માર મારી ઇજાઓ પહોંચાડી હતી. હાલ બન્ને ભાઈઓએ ટંકારા બાદ મોરબી સર્જરી હોસ્પિટલ ખાતે સારવાર મેળવ્યા બાદ વાડી માલીક સહિત ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
ટંકારા તાલુકાના ઘુનડા(સ.) ગામે રહેતા મૂળ દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના દુમકા ગામના વતની ૨૯ વર્ષીય મડીયાભાઈ પ્રતાપભાઈ મખોડ એ ટંકારા પોલીસ મથકમાં આરોપી હરેશભાઈ જગાભાઈ પટેલ રહે. સજનપર હાલ. ઘુનડા તા. ટંકારા, જીગાભાઈ જશમતભાઈ પટેલ રહે. સજનપર હાલ. ઘુનડા તા. ટંકારા તથા અજાણ્યા બે ઈસમ સહિત ચાર વિરુદ્ધ ટંકારા પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફરિયાદી મડીયાભાઈ અને તેના મોટાભાઈ સરદારભાઈ પ્રતાપભાઈ મખોડ, હરેશભાઈ જગાભાઈ પટેલની વાડી ભાગવી રાખી ખેત મજૂરી કરે છે. ગત તા.૦૨/૦૯ના રોજ સરદારભાઈ અને આરોપી હરેશભાઈ વચ્ચે ગૌશાળાના કામ બાબતે બોલાચાલી થઇ હતી. જેમાં હરેશભાઇ ખેતીના કામ સિવાય ગૌશાળામાં કામ કરવા દબાણ કરતા હતા, પરંતુ સરદારભાઈએ એ કામ કરવાની મનાઈ કરતા, હરેશભાઈએ સમાન ભરી વતન ચાલ્યા જવાનું કહ્યું હતું, જેથી સરદારભાઈએ ઉપજમાંથી ભાગ માંગ્યો હતો. આથી હરેશભાઈ ગુસ્સે થઇ સરદારભાઈને ગાળો આપી ફડાકા મારી જાતિ પ્રત્યે અપમાનિત થાય તેવા શબ્દો બોલી ધમકી આપી હતી.
જે બાદ હરેશભાઈ અન્ય ત્રણ વ્યક્તિઓ સાથે ફરી આવ્યા હતા. જેમાં આરોપી જીગાભાઈ જશમતભાઈ પટેલ હાથમાં લોખંડનો પાઇપ લઇ આવ્યા હતા, જ્યારે બે અજાણ્યા લોકો લાકડીઓ લઇ આવ્યા હતા. આ ચારેયે મળીને સરદારભાઈ પર હુમલો કર્યો હતો. ફરિયાદી મડીયાભાઈ તેમને છોડાવવા વચ્ચે પડતા તેમને પણ લાકડીથી માર મારવામાં આવ્યો હતો. હુમલા બાદ બન્ને ભાઇઓને ટંકારા સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી, જ્યાંથી વધુ સારવાર માટે મોરબી હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલ પોલીસે ઉપરોક્ત ચારેય આરોપી વિરુદ્ધ બીએનએસ અને એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.