દેવીપૂજકવાસમાં જિલ્લા પંચાયતના ઉમેદવારના ભાઈને બે શખ્સોએ માર મારતા માહોલ ગરમાયો
ટંકારા: ટંકારામાં સવારથી શાંતિપૂર્વક ચાલી રહેલું મતદાન વચ્ચે કોંગ્રેસના જિલ્લા પંચાયતના ઉમેદવારના ભાઈ ઉપર બે શખ્સોએ હુમલો કરતા માથામાં ઇજા થતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને ધારાસભ્ય સહિતના લોકો હોસ્પિટલે દોડી ગયા છે.
ટંકારાના દેવીપૂજકવાસમાં કોંગ્રેસ પાર્ટીના જિલ્લા પંચાયતના ઉમેદવાર ભુપત ગોધાણીના ભાઈ ભરતભાઇ મોહનભાઇ ગોધાણીને મતદાન બાબતે બોલાચાલી થતા ઉશ્કેરાયેલા 2 શખ્સોએ માથામાં માર મારીને ઇજા પહોંચાડતા હોસ્પિટલ ખસેડાયા છે. બનાવને પગલે ધારાસભ્ય લલિત કગથરા, ભુપત ગોધાણી સહિતના આગેવાનો ઘટના સ્થળ બાદ હોસ્પિટલે પહોંચ્યા છે. જ્યાં પોલીસ દ્વારા કોંગ્રેસી અગ્રણીઓને સમજાવી મામલો થાળે પાડવાની કોશિશ થઈ રહી છે. ઉક્ત ઘટના બાદ હોસ્પિટલે પોલીસ બંદોબસ્ત ચુસ્ત બનાવવામાં આવ્યો છે.
ઇજાગ્રસ્ત ભરતભાઇએ હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે, બે શખ્સોએ દેવીપૂજકવાસમાં બોલાચાલી કરી માથાના ભાગમાં માર મારતા તેઓ ઘાયલ થયા છે. માર મારવામાં સામેલ બે પૈકી એક ઇભુભાઈનો ભત્રીજો હોવાનું ભરતભાઇએ વધુમાં ઉમેર્યું હતું.