Sunday, June 14, 2026
HomeGujaratટ્રેક્ટર રેલી પહેલાં જ રાજકીય ઘમાસાણ : ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ-આપ આમને-સામને, ‘જશ...

ટ્રેક્ટર રેલી પહેલાં જ રાજકીય ઘમાસાણ : ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ-આપ આમને-સામને, ‘જશ ખાટવાની’ લડાઈએ પકડ્યો વેગ

મોરબી: ખેડૂતોને પૂરતું વળતર અને ન્યાય અપાવવા માટે 15 જૂને યોજાનારી ટ્રેક્ટર રેલી પહેલાં જ રાજકીય વિવાદ શરૂ થયો છે. ખેડૂતોના પ્રશ્નોને લઈને એક મંચ પર આવવાને બદલે હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ‘જશ ખાટવાની’ હોડ શરૂ થતાં સમગ્ર મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

જેતપર સહિતના વિસ્તારોમાં વીજલાઈનના વળતર મુદ્દે ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. આ આંદોલનના સમર્થનમાં વિવિધ ખેડૂત સંગઠનો અને રાજકીય પક્ષો આગળ આવ્યા છે. જોકે, રેલીના આયોજન અને તેમાં રાજકીય પક્ષોની ભૂમિકાને લઈને હવે જાહેર નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. ખેડૂત આગેવાન પાલ આંબલીયાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, અગાઉથી જ સ્પષ્ટ કરાયું હતું કે ભાજપ, આમ આદમી પાર્ટી, તેના ખેડૂત સંગઠનો તેમજ ભાજપ સંકળાયેલા કિસાન સંઘ સિવાયના તમામ ખેડૂત સંગઠનો અને રાજકીય પક્ષોનું સ્વાગત છે. તેમ છતાં આમ આદમી પાર્ટીના નેતાઓ સતત નિવેદનો આપી રેલીમાં જોડાવા માટે મધ્યમાં આવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું તેમણે આક્ષેપ કર્યો હતો.

બીજી તરફ, ગત રોજ જેતપર ગામે ખેડૂતોની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આ ખેડૂતોની રેલી છે, કોઈ રાજકીય પક્ષની રેલી નથી અને આમ આદમી પાર્ટી ખેડૂતોની લડતમાં તેમની સાથે ઉભી રહેશે. મોરબી મિરર ન્યૂઝ દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, પાર્ટીનું સ્ટેન્ડ ખેડૂતોના સમર્થનનું છે અને રેલીને રાજકીય રંગ આપવો યોગ્ય નથી.

આ દરમિયાન મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી પંકજ રાણસરિયાએ પાલ આંબલીયા પર પ્રહાર કરતાં જણાવ્યું કે, તેઓ પક્ષપાતપૂર્ણ વલણ અપનાવી ખેડૂતોને ગેરમાર્ગે દોરી કોંગ્રેસને રાજકીય ફાયદો પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે ખેડૂતોના આંદોલનને તોડવાના પ્રયાસ થઈ રહ્યા છે અને ખેડૂતોની એકતાને નુકસાન પહોંચાડતી છીછરી રાજનીતિ કરવામાં આવી રહી છે. પંકજ રાણસરિયાએ વધુમાં કહ્યું કે, આમ આદમી પાર્ટીના અનેક આગેવાનો કોઈ રાજકીય ઓળખ વગર માત્ર ખેડૂત તરીકે આંદોલનને સમર્થન આપી રહ્યા છે. ખેડૂતોની આ લડાઈ કોઈ પક્ષ સામે નહીં પરંતુ ખેડૂતોના હક્ક અને યોગ્ય વળતર માટેની લડાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.

એક તરફ ખેડૂતો વળતર અને ન્યાયની માંગ સાથે રસ્તા પર છે, ત્યારે બીજી તરફ રાજકીય પક્ષો વચ્ચે શરૂ થયેલી નિવેદનબાજીએ સમગ્ર આંદોલનનું ધ્યાન ખેંચ્યું છે. હવે 15 જૂનની ટ્રેક્ટર રેલીમાં કયા પક્ષો અને સંગઠનો કઈ ભૂમિકા ભજવે છે અને ખેડૂતોના મૂળ પ્રશ્નો પર કેટલું ધ્યાન કેન્દ્રિત થાય છે તેના પર સૌની નજર ટકેલી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!