એ ડિવિઝન, એલસીબી અને ટંકારા પોલીસે સાથે મળી કુખ્યાત આરોપીને કાયદાનું ભાન કરાવ્યું
મોરબી: મોરબી સહિતના પોલીસ મથકના વિવિધ ગુન્હાઓના વોન્ટેડ રહેલા આરોપીઓ ટંકારા નજીક આવ્યા હોવાની બાતમીના આધારે પોલીસે તેને પકડવા ગઈ હતી. આ દરમિયાન બન્ને માથાભારે આરોપીઓએ ધરપકડથી બચવા પોલીસ પાર્ટી સાથે ધક્કામુકી કરી એક પોલીસ કર્મચારી ઉપર હુમલો કર્યો હતો. જો કે એ ડિવિઝન, એલસીબી અને ટંકારા પોલીસે સાથે મળી કુખ્યાત આરોપીને કાયદાનું ભાન કરાવ્યું હતું.
મોરબી સીટી એ-ડીવીજન તથા બી-ડીવીજન તથા વાંકાનેર સીટી પોલીસ મથકના ગુન્હાઓના નાસતા ફરતા આરોપીઓ નવઘણભાઈ મોહનભાઈ બાંભવા (ઉ.વ-૨૯ રહે- મોરબી બાયપાસ પાસે તુલશી પાર્ક સોસાયટી), મચ્છાભાઈ ઉર્ફે લાલો પરબતભાઈ વરૂ (ઉ.વ-૨૧ રહે- રાજકોટ કાલાવડ રોડ કોટેચા ચોક, નાલંદા સોસાયટી શેરી નં-૫ મુળ રહે- ઇટાળા તા-ધ્રોલ જી- જામનગરવાળા) ઓ મોરબી હાઇવે રોડ વીરપર ગામ પાસે દ્વારકાધીશ હોટલે આવ્યો હોવાની જાણ થતાં ટંકારા સહિતની પોલીસ પાર્ટી તેને પકડવા ત્યાં ગઈ હતી.
દરમિયાન આરોપીઓએ ધરપકડથી બચવા પોલીસ સ્ટાફ સાથે ધકકામુકકી કરી ઝપાઝપી કરી આરોપીએ ફરીયાદી પોલીસ કોન્સ્ટેબલને લાકડીથી માથામાં ડાબી બાજુ માર મારી મુઢ ઇજા કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હોવાની ઇજાગ્રસ્ત ટંકારા પોલીસ સ્ટેશનના અના.પો.કોન્સ. વિપુલભાઈ ગગુભાઈ બાલાસરાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરેલ છે.