ઘરમાં ઘુસી ધોકા અને પથ્થરથી માર માર્યો, ત્રણ લોકોને ગંભીર ઇજા, એકની આંખ ઉપર સર્જરી.
મોરબી તાલુકાના જાંબુડીયા ગામે સામસાટુ સગપણ તોડી નાખ્યાનો ખાર રાખી ચાર શખ્સોએ મધરાતે પરિવારના ઘરમાં ઘુસી ધોકા અને પથ્થર વડે હુમલો કર્યો હતો. હુમલામાં પરિવારના ત્રણ સભ્યોને ગંભીર ઇજાઓ પહોંચી છે, જેમાં એક વ્યક્તિની આંખમાં વધુ ઇજા પહોચતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સર્જરી કરવી પડી હતી, જ્યારે અન્યને માથા અને મોઢાના ભાગે ફ્રેક્ચર જેવી ઇજાઓ પહોંચી છે. આ સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો છે. હાલ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામમાં રહેતા અબ્દુલભાઈ કાળુભાઈ ભરવાડીયા ઉવ.૪૦એ તાલુકા પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના દીકરા-દીકરીનું સામસાટુ સગપણ રફાળેશ્વર-પાનેલી રોડ વિસ્તારમાં રહેતા મહમદભાઈ બાબુભાઈ સલાટના પરિવાર સાથે ચાર વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું, પરંતુ તાજેતરમાં આ સગાઈ તોડી નાખવામાં આવી હતી. જેમાં ગત તા. ૨૭ માર્ચના બપોરે ફરિયાદીની દીકરી પાણી ભરવા ગઈ ત્યારે આરોપી નવઘણ ઉર્ફે કાળુ અને અન્ય એક વ્યક્તિ તેના પાછળ આવતા હોવાથી તે ડરીને ઘરે પરત આવી હતી. આ બાબતે ફરિયાદીએ વેવાઈને ફોન કરી તેમના દીકરાને સમજાવવા વાત કરી હતી. જે બાદ તે જ રાત્રે આશરે પોણા બાર વાગ્યે આરોપીઓ ભોલાભાઈ બાબુભાઈ સલાટ, મહમદભાઈ બાબુભાઈ સલાટ, કિશન અજીતભાઈ સલાટ અને નવઘણ ઉર્ફે કાળુ સલાટે ફરિયાદીના ઘરે ઘુસી હુમલો કર્યો હતો. આરોપીઓએ પહેલા ફરિયાદીના દીકરા રાહુલને બહાર ખેંચી લાકડાના ધોકા વડે માર માર્યો હતો. બચાવવા જતા ફરિયાદીને પથ્થર મારી ડાબી આંખ પર ગંભીર ઈજા પહોંચાડી હતી. આ દરમિયાન ફરિયાદીના ભાઈ સંજયને પણ આરોપીઓએ ધોકા વડે માથા અને મોઢા પર માર મારતા તેને ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચાડી ચારેય આરોપીઓ નાસી ગયા હતા.
બાદમાં પરિવારજનો દ્વારા ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફતે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી ઇજાગ્રસ્તોને રાજકોટ અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં ફરિયાદીની આંખ પર સર્જરી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









