તાલુકા પોલીસ મથકમાં ત્રણ મહિલા સહિત ૧૧ આરોપીઓ સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો.
મોરબી તાલુકાના સોખડા ગામે ગ્રામપંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તેમજ તેમના પરિવારના સભ્યો ઉપર હુમલો થયો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં ચેરમેન દ્વારા અગાઉ લેન્ડ ગ્રેબિંગ અંગે ફરિયાદ કરી હોય જે બાબતનો ખાર રાખી ચેરમેન સહિતના પરિવારના સભ્યોને લાકડાના ધોકા સહિત ઢીકાપાટુનો માર મારી, જાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યા હતા, જે દરમિયાન ચેરમેનનો મોબાઇલ તેમજ રોકડ રકમની પણ લૂંટ કર્યા અંગેની અત્રેના પોલીસ મથકમાં ભોગ બનનાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલના ભોગ બનનારે તેના ભત્રીજાને હોદ્દાનો દુરુપયોગ કરી ગામવાસીઓને હેરાન કરવાનો વિરોધ કરવાનો ખાર રાખી માર માર્યો હતો, જે અંગે ચેરમેન તથા તેમના બંને દીકરાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના જી.એ.એફ.સી.નગર સોખડા ગામે રહેતા સોખડા ગ્રામ પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રમેશભાઈ ખીમાભાઈ મકવાણા ઉવ.૫૫ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી મનસુખભાઇ લાભુભાઇ સુરેલા, મેહુલભાઇ લાભુભાઇ થરેસા, અનિલભાઇ દિલીપભાઇ, અરવીંદભાઇ દિલીપભાઇ, રાકેશભાઇ દિલીપભાઇ, વિજયભાઇ રામસુરભાઇ, રમેશભાઇ રામસુરભાઇ, મહેશભાઈ ભીમજીભાઈ, મનસુખભાઇના પત્નિ, દિલિપભાઇ લાભુભાઇના પત્નિ, પ્રવિણભાઇ ભીમજીભાઇના પત્નિ રહે બધા.સોખડા ગામ એમ કુલ ૧૧ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી રમેશભાઈની ફરિયાદમાં જણાવ્યા અનુસાર, રમેશભાઈએ લેન્ડ ગ્રેબીંગ ફરીયાદ કરેલ હોય જેનો ખાર રાખી ગઈ તા.૦૩/૦૪ના રોજ આરોપી મનસુખભાઇ લાભુભાઇ સુરેલા તથા મેહુલભાઇ લાભુભાઇ થરેસાએ ફરીયાદી રમેશભાઈને ઉભા રાખી બોલાચાલી કરી ગાળો આપી અને ઝપાઝપી કરી જાતી પ્રત્યે અપમાનીત કર્યા હતા, તે દરમિયાન અન્ય આરોપીઓએ રમેશભાઈ, તેમના દીકરા વસંતભાઈ તથા પ્રકશભાઈ તેમજ તેમના પુત્રવધૂને લાકડી, લાકડાના ધોકા તેમજ ઢીકાપાટુનો માર મારી એકબીજાએ ગુનો કરવામાં મદદગારી કરી હોય, આ સિવાય રણેશભાઈનો ઓપ્પો કંપનીનો મોબાઇલ અને ખિસ્સામાં રહેલા રોકડા પાંચ હજાર રૂપિયા લઈ લીધા હોવાની હોવાની ફરિયાદ નોંધાવી હતી, હાલ પોલીસે ત્રણ મહિલા સહિત ૧૧ આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી સહિત બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.