હળવદ તાલુકાના કડીયાણા ગામે મિત્રો વચ્ચેના વિવાદને લઈને યુવક ઉપર તેના જ મિત્ર તથા તેના પિતા સહિત ત્રણ ઈસમોએ લોખંડની ડાક વડે હુમલો કર્યો હતો. જે હુમલામાં યુવકના પગમાં ગંભીર ઈજા થતાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ફ્રેક્ચરને લઈને ઓપરેશન કરવામાં આવ્યું હતું.
હળવદ તાલુકાના કડીયાણા ગામે બે મિત્રો વચ્ચે શરૂ થયેલો વિવાદ હિંસામાં ફેરવાયો હતો. જેમાં કિશોરભાઈ ચતુરભાઈ પારઘી ઉવ.૨૨ રહે. કડીયાણા ગામ તા.હળવદ વાળાએ અત્રેના પોલીસ મથકમાં આરોપી શનિભાઈ નરેશભાઈ સોલંકી, શનિભાઈના પિતા નરેશભાઈ બન્ને રહે.કડીયાણા ગામ તથા આરોપી શનિભાઈના કુટુંબી મામા ભુપીભાઈ રહે. સરા તા.મૂળી જી.સુ.નગર વાળા સામે ફરિયાદ નોંધાવી કે, તા. ૩૧ ઓક્ટોબરના રોજ સાંજે લગભગ ૪ વાગ્યે, ફરિયાદી કિશોરભાઈને તેમના મિત્ર શનીભાઈ સોલંકીનો ફોન આવ્યો હતો કે ખારાના મેદાન પાસે મિત્રો મળવા માટે આવ્યા છે તેમ કહી ત્યાં બોલાવતા કિશોરભાઈ કડીયાણા ગામે તેઓ ખારાના મેદાને પહોંચ્યા હતા. ત્યાં શનીભાઈ તેમના પિતા નરેશભાઈ, તથા શનીભાઈના કાકા ભુપીભાઈ સરાવાળા હાજર હતા. ત્યારે અચાનક શનીભાઈએ પોતાના હાથમાં રાખેલી લોખંડની ડાક (સેન્ટીંગની રોડ) વડે કિશોરભાઈના પગમાં ઘા માર્યા હતા, જ્યારે ભુપીભાઈએ તેમને પકડી રાખ્યા હતા અને નરેશભાઈ સ્થળ પર હાજર હતા. હુમલામાં કિશોરભાઈને પગમાં ગંભીર ઈજા થઈ હતી. જે બાદ ત્રણેય આરોપીઓ ત્યાંથી જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ ઉપરથી ચાલ્યા ગયા હતા. જે બાદ કિશોરભાઈને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. હાલ હળવદ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.









