વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન સ્વિફ્ટ ડિઝાયર કારના ચાલકે બેફિકરાઈથી વાહન ચલાવી પોલીસ કર્મચારીઓને સામાન્ય તથા ગંભીર ઇજાઓ પહોંચાડ્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે જ્યારે એક આરોપી ફરાર છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરના જીનપરા જકાત નાકા ખાતે ફરિયાદી પીએઆઈ એ.પી. મેવાડા ઉવ.૩૮ સહિત પોલીસ ટીમ સરકારી ફરજ દરમ્યાન વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા, તે દરમિયાન સ્વિફ્ટ ડિઝાયર કાર રજી.નં. જીજે-૧૩-એનએન-૬૯૧૯ના ચાલક આરોપી સુનીલભાઈ ઝવેરભાઈ ઉનેચા રહે. નવા જક્શન સુરેન્દ્રનગર વાળાએ આરોપી નયનભાઇ ગોપાલભાઇ ઝખવાડીયા રહે. ૮૦ ફુટ રોડ શાંન્તીનગર સુરેન્દ્ર્નગર તથા મયંકભાઇ લાલાભાઇ વાલાણી રહે.નવા જકશન સુરેન્દ્રનગર વાળાના કહેવાથી બેફિકરાઈ અને ગફલતપૂર્વક વાહન ચલાવી પોલીસ કર્મચારીઓ પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં આરોપી જાણતા હોવા છતાં કે આવી રીતે વાહન ચલાવવાથી પોલીસ કર્મચારીઓનું મૃત્યુ પણ થઈ શકે, તેમ છતાં બેફિકરાઈથી વાહન ચલાવી સરકારી ફરજમાં રહેલા પોલીસ કર્મચારીઓને સામાન્ય તેમજ ગંભીર ઇજાઓ પહોંચાડેલ હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ વાંકાનેર સીટી પોલીસે આરોપીઓ વિરુદ્ધ બીએનએસ તથા એમવી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









