પશુચોરી કરતા ચાર ઈસમો પૈકી બે પકડાયા, બે છરી બતાવી ફરાર, કુલ સાત વિરુદ્ધ ગુનો નોંધાયો
મોરબીના અમરનગર (તારાપર) ગામના ખેડૂતની ત્રણ ગાયો અને એક વાછરડી ચોરી કરવા માટે ચાર ઈસમો આવ્યો હતા. ત્યારે ગાયો હંકારી જતા ખેડૂત અને ગામલોકોએ તેમને રોકવાનો પ્રયાસ કરતા બે આરોપી છરી બતાવી ફરાર થઈ ગયા. ગામલોકોએ બાકી બે આરોપીને પકડી લઈ પોલીસને સોંપી દીધા હતા. આ ગાયો માળીયાના બે ઈસમોને સોંપવાની હતી, અને ચોરી માટે આ ઈસમોને પાંચસો રૂપિયા આપવામાં આવ્યા હતા. જેથી કુલ સાત આરોપીઓ વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે, હાલ પોલીસે તમામ આરોપીઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મોરબી તાલુકાના અમરનગર (તારાપર) ગામમાં પશુચોરીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ખેડૂત જીવુભા ભગુભા ઝાલાની ત્રણ ગાયો અને એક વાછરડી ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ગઈ તા.૨૪ ફેબ્રુઆરીના રોજ જ્યારે જીવુભાએ પોતાની ગાયો ગામના પાદરમાં ચરવા મુકેલી. બાદ બપોરે બે વાગ્યે ગાયો પરત લેવા જતા, ચાર ઈસમો ગાયો હંકારી જતા દેખાયા હતા, ત્યારે જીવુભા અને વિશાલભાઈ ભુંભરીયાએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પણ ચાર પૈકી બે શખ્સોએ છરી બતાવી ધમકી આપી નાસી ગયા હતા. ત્યારે વિશાલભાઈએ તાત્કાલિક ફોન પર ગામના કેટલાક લોકોને જાણ કરી, જેના કારણે ગ્રામજનો ત્યાં દોડી આવ્યા હતા.જ્યારે બાકી બે આરોપી બીલાલ હનીફભાઈ કટીયા (રહે. નવલખી રોડ, મોરબી) અને અલારખા કાસમભાઈ સુમરા (રહે. વનાળીયા, મોરબી)ને પકડી લેવાયા હતા. પકડાયેલ બન્ને આરોપીઓની સઘન પૂછપરછમાં તેઓ ગાયો ચોરી કરીને માળીયાના રફીકભાઈ મીયાણા અને સુભાનભાઈ મોવરને સોંપવાના હતા. આ ચોરી માટે અલી મામદ રસુલભાઈ જેડા (નવાગામ) દ્વારા કહેવામાં આવ્યું હોય અને ચોરી માટે રૂ. ૫૦૦ ચૂકવવામાં આવ્યા હતા, અને તેઓ ગાયો ચોરી કરીને રિક્ષા દ્વારા લઈ જવાના હતા તેવી કબુલાત આપી હતી.
આથી પોલીસે જીવુભા ભગુભા ઝાલા ઉવ.૬૫ની ફરિયાદના આધારે આરોપીઓ બીલાલ હનીફભાઇ કટીયા રહે.મોરબી રણછોડનગર, અલારખા કાસમભાઇ સુમરા રહે.વનાળીયા, સાહીલ સિંકદર કટીયા રહે.મોરબી વીસીપરા , અબ્દુલ હનીફ કટીયા રહેમોરબી વીસીપરા, અલીમામાદ રસુલભાઇ જેડા રહે નવાગામ તા.માળીયા(મી), રફીકભાઇ મીયાણા રહે.માળીયા વાડા વિસ્તાર તથા સુભાનભાઇ મોવર રહે.માળીયા(મી) વાડા વિસ્તાર વાળા વિરુદ્ધ ગુનો નોંધી ફરાર પાંચ આરોપીઓને પકડી લેવા આગળની તપાસ ચલાવી છે.