ધંધામાં જરૂરત પડતા વેપારી વ્યાજના ચક્કરમાં ફસાયા, દસ વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
મોરબી : મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કેટલીય જિંદગી બરબાદ થઈ ગઈ છે. ત્યારે વ્યાજખોરોના વધુ એક ત્રાસના કિસ્સામાં 30 થી 60 ટકા વ્યાજની પઠાણી ઉઘરાણી કંટાળી વેપારીનો આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ધંધા જરૂરત પડતા વેપારી વ્યાજના ચક્કરમાં એવા બુરી રીતે ફસાયા કે તેમનું જીવવું હરામ થઈ ગયું છે. હાલ આ મામલે 10 વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ નજીક સનરાઈઝ એપાર્ટમેન્ટમાં પહેલા માળે રહેતા અને સુપર માર્કેટમાં પ્લાસ્ટિકની દુકાન ધરાવતા વેપારી અતુલભાઈ ડાયાભાઈ પટેલના પત્નીના મૃત્યુ બાદ ધંધામાં નાણાની જરૂરત પડતા મિત્રો મારફતે વ્યાજે આપતા લોકોની માહિતી મેળવી 30 ટકાથી લઈ 60 ટકા જેટલા ઉંચા વ્યાજે નાણાં લઈ વ્યાજે લીધા હતા અને આ ઉંચા વ્યાજ સાથે તેઓએ નાણાં પરત કરી દીધા હતા. મૂળ રકમ અને વ્યાજ પણ ચૂકતે કરી દીધું હોવા છતાં વ્યાજખોર જગાભાઈ ઉર્ફે જીગો, રમેશભાઈ બોરીચા, વરૂણભાઈ બોરીચા, રાહુલભાઈ, રવીભાઈ ડાંગર, ડીડીભાઈ રબારી, રાજેશભાઈ બોરીચા, સિધ્ધરાજસિંહ ગોહિલ, ભોલુભાઈ અને કાનો. બીએ વેપારી અતુલભાઈને હેરાન પરેશાન કરી પઠાણી ઉઘરાણી ચાલુ રાખી જાનથી મારી નાખવા ધમકી આપતા અંતે વ્યાજખોરોથી કંટાળી મચ્છર મારવાનું ગુડનાઇટ લિકવિડ ગટગટાવી જિંદગી ટૂંકાવી નાખવા પ્રયાસ કર્યો હતો. જેમાં બચી જતા તેઓએ હાલ બનાવ અંગે 10 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
જોકે થોડા દિવસો અગાઉ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા પત્રકાર પરિષદ યોજીને વ્યાજના વિષ ચક્રમાં ફસાયેલા લોકોને પોલીસની મદદ મળી રહે તે માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે જેથી વ્યાજના ચક્રમાં ફસાયેલા લોકો એ આ પ્રકારના પગલાં ભરવા જોઇએ નહિ અને પોલીસ હેલ્પ લાઇનનો સંપર્ક કરીને પોલીસની મદદ મેળવવી જોઈએ.