સામાન્ય રીતે ઠંડીની મોસમ શરૂ થતાં અમરેલી, ધારી અને ગીર જંગલના રાની પશુઓ ગોંડલ, વાંકાનેર પંથક તરફ નજર દોડાવતા હોય છે અને વિહરતા વિહરતા આવી પહોંચે છે. ત્યારે છેલ્લા થોડા દિવસોથી મોરબી જિલ્લામાં ત્રણ દીપડાઓના આંટાફેરા નજરે પડી રહ્યા હતા. જેમાંથી એક દીપડો ગઈકાલે પાંજરે પુરાયો હતો. જયારે એક બાળ દીપડાને ગઈકાલે ટ્રકે ઠોકર મારતા તેનું મોત નીપજ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર બાઉન્ડ્રી નજીક હાઇવે પર ગઈકાલે બાળ દીપડાનું મૃતદેહ મળી આવ્યું હતું. જેમાં સ્થાનિકોના જણાવ્યા અનુસાર, એક ટ્રકે દીપડાને હડફેટે લીધો હતો. જેના કારણે તેનું મોત નીપજ્યું હોવાનું આશંકા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, વાંકાનેરમાંથી ગઈકાલે સવારે જ એક દીપડાને ફોરેસ્ટ વિભાગે ઝડપી પાડયો હતો. અને અન્ય બે દીપડાને પકડવા કવાયત હાથ ધરવામાં આવી હતી. ત્યારે ગઈકાલે રાત્રે એક બાળ દીપડાનું મોત નિપજતા હજુ એક દીપડો વાંકાનેર વિસ્તારમાં હોવાની શક્યતા વેન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાના મૃતદેહનો કબજો સંભાળી તપાસ હાથ ધરવામાં આવી છે.