ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સ્થળ પર જઈ બચુબાપાના નિસ્વાર્થ સેવાભાવને બિરદાવ્યુ.
મોરબીમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ૫૦ વર્ષથી નજીવા દરે ભોજન સેવા આપતા બચુબાપાનું સેવા સ્થળ ખાલી કરાવાયું હતું. જે બાદ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સ્થળ ઉપર જઈને બચુબાપાને તેમના સેવા-કાર્ય માટે પ્રોત્સાહન આપી નવી જગ્યા ફાળવવાની ખાતરી આપી હતી.
મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા દરમિયાન, શહેરના સ્ટેશન રોડ પર છેલ્લા ૫૦ વર્ષથી ટોકન દરે ભરપેટ ભોજન સેવા આપી રહેલા બચુબાપાનું નાનું અન્નક્ષેત્ર(કેબિન જેવો સમીયાણો) ખાલી કરાવાયું હતું. ૭૩ વર્ષના બચુબાપા તેમના ભોજનાલયમાં જ રહેતા અને જાતે જમવાનું બનાવીને દરરોજ ગ્રાહકોને નજીવા ટોકન દરે ભરપેટ જમાડતા હતા.
ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સ્થળ પર પહોંચ્યા હતા અને બચુબાપાની મુલાકાત લીધી હતી. જ્યાં ધારાસભ્યએ બચુબાપાની નિઃસ્વાર્થ સેવાભાવના ઉદાત્ત કાર્યો માટે પ્રોત્સાહિત કરી અને તેમને આ સેવાઓ ચાલુ રાખવા માટે નવી જગ્યા ફાળવવા ખાતરી આપી હતી. આ સાથે ધારાસભ્યએ બચુબાપાને સન્માન આપી જણાવ્યું હતું કે બચુબાપાની જનસેવાની ભાવનાને મારુ વંદન સાથે તેમની સત્યનિષ્ઠ પરમ સેવા માટે અભિનંદન, બચુબાપાનું જીવનદ્રષ્ટિ અને નિઃસ્વાર્થ સેવાભાવ બધા માટે પ્રેરણાદાયી છે.