મોરબી શહેરના પીપળી રોડ પર શિવ પાર્ક પાસે આવેલા અત્યંત ખરાબ રસ્તાના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. તાજેતરમા પણ અકસ્માત થતા રોડ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. છેલ્લા થોડા દિવસોમાં અહીં અંદાજે ૬ જેટલા અકસ્માત નોંધાઈ ચૂક્યા હોવાથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને તાત્કાલિક રિપેર તથા ડામર રોડ બનાવવાની માગ ઉઠી છે.
મોરબી શહેરના પીપળી રોડ પર શિવ પાર્ક પાસે આવેલ રસ્તો હાલ અત્યંત ખરાબ હાલતમાં હોવાને કારણે અકસ્માતોનું કેન્દ્ર-બિંદુ બની ગયો છે. રસ્તા પર મોટા ખાડા અને અસમતલ માર્ગ હોવાના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજ રોજ પણ આ જ સ્થળે એક અકસ્માત સર્જાયો હતો, જેના પગલે પીપળી રોડ પર લાંબા સમય સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. સ્થાનિકો અને વેપારીઓના જણાવ્યા મુજબ છેલ્લા થોડા સમયગાળામાં આ વિસ્તારમાં લગભગ છ જેટલા અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. લોકોનું કહેવું છે કે જો શિવ પાર્ક પાસે ડામર રોડ બનાવી દેવામાં આવે તો અકસ્માતોની સંભાવના મોટા પ્રમાણમાં ઘટી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ઉદ્યોગકારોની વારંવાર રજૂઆતને ધ્યાને લઈને હાલ આ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ જમીન સંપાદન સંબંધિત વિવાદને કારણે જગ્યાના માલિક દ્વારા કામ બંધ કરાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જેના કારણે અધૂરૂં કામ અને ખરાબ રસ્તો યથાવત રહેતા સમસ્યા વધુ ગંભીર બની છે. ત્યારે ઉદ્યોગકારો અને સ્થાનિક નાગરિકો દ્વારા તંત્રને આ બાબતે તાત્કાલિક હસ્તક્ષેપ કરી વિવાદનો ઉકેલ લાવી રોડનું કામ પૂર્ણ કરવા માંગ કરવામાં આવી છે. નાગરિકોના જણાવ્યા મુજબ જો સમયસર યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગળ પણ અકસ્માતોની સંખ્યા વધવાની ભીતિ છે. તેથી સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી જોરદાર માંગ ઉઠી રહી છે.









