માળીયા મીયાણા તાલુકાનાં બગસરા ગામ પંચાયત દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી મોરબીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં મીઠુ ઉત્પાદન કરતા તમામ નાના- મોટા એકમોએ ગામની ગૌચરની જમીન, ખરાબાની જમીન,ઘુડખરની જમીન,ફોરેસ્ટની જમીન તથા ગામ ખેડુતની જમીનમાં ખારાસ તથા પ્રદુષિત કરી છે. જેની સામે કાર્યવાહી કરવા માંગ કરાઇ છે.
મળતી માહિતી અનુસાર, માળીયા મિયાણા તાલુકાના બગસરા ગામની હદમાં મીઠુ પકવતી તમામ નાની – મોટી કંપનીએ પોતાના અંગત સ્વાર્થ માટે ગામની ખેડવાણ જમીન, ગૌચરની જમીન,ખરાબાની જમીન, સરકારી પડતર,ઘુડખરની જમીન, ફોરેસ્ટની જમીનમાં તથા ત્યાં આવેલા ખેડુત ખાતેદારની તમામ જમીનોને નાની મોટી કંપનીઓએ જમીનને ખારાસ કરી નાખી છે. ગામમાં પોતાના અંગત સ્વાર્થ માટે ગામ વચ્ચે મીઠુ ભરીને ખુલ્લી ટૂંકો, ઘુર-ડમરીઓ ઉડાડતા ગામ વચ્ચે મીઠુ ઢોરતા જાય છે જેને કારણે ગામના રહેવાસીઓના સ્વાસ્થ્યને ભારે નુકશાન પહોંચે છે. તેમજ ગામની જમીનમાં ખારાશ વાળી અને પ્રદૂષિત કરી નાખતા વૃક્ષો ઉગતા નથી તેમજ હંમેશા જમીન અને રસ્તા પ્રદુષીત કર્યા કરે છે. તેમજ અંગત સ્વાર્થ માટે ખરાબાની જમીનમાં મીઠાંનાં ઢગલાં કરે છે. જેને લઇને અગાઉ અનેક વખત ગામ પંચાયતે રજૂઆત કરી હોવા છતાં કાર્યવાહી કરાઈ નથી. ત્યારે ગામની હદમાં આવતા નાના મોટા ઉદ્યોગોનો સર્વે કરી કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે. તેમજ ૩૦ દિવસમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો જાહેર હિતમાં ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ બગસરા ગામ પંચાયત દ્વારા ઉચ્ચારવામાં આવી છે.