યજમાનના ઘરે નિઃશુલ્ક બહુચર માઁ નો ગરબો કરીને ભંડોળ એકત્રિત કરે છે.ગૌશાળા, અનાથાશ્રમ અને અન્નક્ષેત્ર માટે દાન-પુણ્યમાં અગ્રેસર.
મોરબી તથા આસપાસના ગામોમાં ગૌસેવા, અનાથાશ્રમ અને અન્નદાન જેવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ બહુચર આનંદ ગરબા મંડળ છેલ્લા ૧૭ વર્ષથી સક્રિય છે. મંડળના મહિલા સભ્યો યજમાનના ઘરે જઈને નિઃશુલ્ક બહુચર માઁ નો ગરબો કરે છે. જે દરમિયાન મળતા દાન-દક્ષિણા રૂપે એકત્રિત ભંડોળથી વિવિધ સેવાકીય કાર્ય કરવામાં આવે છે.
મોરબી શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં બહુચર આનંદ ગરબા મંડળ વર્ષ ૨૦૦૮થી ધાર્મિક અને સામાજિક સેવા માટે કાર્યરત છે. આ મંડળમાં મહિલાઓનો ઉલ્લેખનીય ફાળો છે. મંડળના પ્રમુખ પૂર્વીબેન નરેન્દ્રભાઈ મહેતા દ્વારા મળેલી માહિતી અનુસાર, શરુઆતમાં માત્ર પાંચ મહિલા સભ્યો સાથે શરૂ થયેલું આ મંડળ આજે ૨૧ સભ્યો સાથે કાર્યરત છે. બહુચર આનંદ ગરબા મંડળ યજમાનના ઘરે જઈને બહુચર માઁ ના ગરબો ગાઈ, શ્રદ્ધાળુઓ માટે ભક્તિભાવપૂર્ણ વાતાવરણ સર્જવામાં આવે છે. આ દરમિયાન યજમાન પોતાની શક્તિ મુજબ દાન-દક્ષિણા આપે છે, જેમાંથી એકત્રિત થયેલું ભંડોળ ગૌશાળા, અનાથાશ્રમ, અન્નક્ષેત્ર અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ માટે ખર્ચી દેવામાં આવે છે.