આવતીકાલે મહાશિવરાત્રીના પવિત્ર પર્વને ધ્યાનમાં રાખીને મોરબી મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં શહેરમાં ધાર્મિક ભાવનાને માન આપી શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે કતલખાનાં અને નોનવેજ વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
મોરબી મહાનગરપાલિકાનાં જાહેરનામામાં જણાવ્યા અનુસાર, ગુજરાત સરકારના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના તા.11 ફેબ્રુઆરી 2026ના પત્રના સંદર્ભમાં આવતીકાલે તા.15 ફેબ્રુઆરી 2026ના રોજ મહાશિવરાત્રી નિમિતે મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તથા માંસ-મટન, ચીકન અને મચ્છીના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહાનગરપાલિકાએ સંબંધિત તમામ વેપારીઓ અને જવાબદાર અધિકારીઓને આ જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે જી.પી.એમ.સી. એક્ટ-1949ની કલમ 329 અને 336 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.









