વર્ષ ૨૦૦૧ માં સમગ્ર ભારતને એક કૌભાંડે હચમચાવી દીધું હતું. એ કૌભાંડ હતું નકલી સ્ટેમ્પ પેપર કૌભાંડ, જેનો સુત્રધાર હતો અબ્દુલ કરીમ તેલગી. મૂળ કર્ણાટકનો વતની કોમર્સનો વિદ્યાર્થી હતો. બેંગ્લુરુ અને મુંબઈમાં નોકરી કર્યા બાદ થોડોક સમય તે સાઉદી અરેબિયામાં રહ્યો હતો.
૧૯૯૦ આસપાસ સાઉદીથી પરત આવ્યા બાદ તેણે મુંબઈમાં નકલી સ્ટેમ્પનો બિઝનેસ શરૂ કરી દીધો અને નકલી સ્ટેમ્પના દેશવ્યાપી વિતરણનું બહુ મોટું નેટવર્ક સ્થાપિત કરી દીધું. ઉલ્લેખનીય છે કે, સરકારી રેવન્યુ સ્ટેમ્પ કેટલાંક દસ્તાવેજોમાં અનિવાર્ય મનાય છે. તેલગીએ આવી નકલી સ્ટેમ્પ વડે કેટલાય લોકોને પાસપોર્ટ, વિઝા અપાવીને પરદેશ મોકલી દીધા હતા.
૧૯૯૩ માં ઔરંગાબાદથી નકલી સ્ટેમ્પ પકડાયા પછી તેનું પગેરું તેલગી સુધી પહોંચ્યું અને તેની ધરપકડ થઈ. જોકે જેલમાંથી બહાર આવ્યા પછી અબ્દુલ કરીમ તેલગીની હિંમત બેવડાઈ ગઈ. તેણે કેટલાંક સરકારી માન્યતા ધરાવતા સ્ટેમ્પ વેન્ડરની મદદથી હવે નકલી સ્ટેમ્પ પેપર જ બનાવવાનું શરૂ કરી દીધું. મિલકતના દસ્તાવેજો, સોગંદનામા અને અદાલતી કાર્યવાહી વગેરેમાં અનિવાર્ય ગણાતાં સરકારી સ્ટેમ્પ પેપરની નકલ દેશભરમાં વેચીને તેણે અબજો રૂપિયા બનાવ્યા હતા.
એ કૌભાંડ પકડનારી ટીમના મુખ્ય અધિકારી સુબોધ જયસવાલ હતા. ત્યારે જયસવાલ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી હતા. તેમણે મહારાષ્ટ્રમાં ફેલાયેલા તેલગીના નેટવર્ક અને આખી સિન્ડિકેટની ઓળખ કરીને દરેકની ધરપકડ કરી હતી. જયસવાલની તપાસમાં જાણવા મળ્યું કે આ કૌભાંડ અન્ય રાજ્યોમાં પણ ફેલાયેલું છે. આથી તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. તેમ છતાં જયસવાલને તેમાં સામેલ રાખવામાં આવ્યા હતા. કારણ કે તેઓ તેલગીની મોડસ ઓપરેન્ડીથી પૂરેપૂરા વાકેફ હતા. હર્ષદ મહેતાના શેરબજાર કૌભાંડ વિશે બેહદ લોકપ્રિય નીવડેલી વેબસિરિઝ ‘સ્કેમ-૧૯૯૨’ બનાવનાર હંસલ મહેતાએ હાલમાં જ અબ્દુલ કરિમ તેલગીના સ્ટેમ્પ પેપર કૌભાંડ વિશે વેબસિરિઝ બનાવવાની જાહેરાત કરી છે, જેમાં હવે સીબીઆઈ ચીફ બનેલા સુબોધચંદ્ર જયસવાલના કારનામા પણ જોવા મળશે.